અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર નવજીવન હોટલ પાછળ ભરૂચ એસઓજી પોલીસે બોલેરો પીકઅપમાં રનિંગમાં બાયોડીઝલનું વેચાણ કરતા બાયો ડીઝલ પંપને ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂ.1,62,000 નો બાયો ડીઝલના જથ્થા સહીતનો સામાન અને પીકઅપ મળી કુલ રૂપિયા 5,18,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ખાતે ભરૂચ એસ.ઓ.જી. ની ટિમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બોલેરો પીકઅપ વાનમાં ફ્યુલ ટેન્ક તથા ડીઝીટલ ફયુલ પંપ ફીટ કરી રનીંગમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવેની બાજુમાં આવેલ નવ જીવન હોટલ પાછળ દરોડા પાડતા પીકઅપ વાનમાં ફ્યુલ ટેન્ક તથા ડીઝીટલ ફયુલ પંપ ફીટ કરી ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
એસઓજી પોલીસે દુકાનના ગોડાઉનમાં તપાસ કરતા દુકાનમાંથી પણ બાયો ડીઝલની ટેન્કો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી જ્વલનશીલ બાયો ડીઝલનો જથ્થો કોઈપણ જાતની મંજૂરી વગર અને ફાયર સેફટીના સાધનો વગર સ્ટોરેજ કરી વેચાણ કરતા સુરત વરાછાના રાજેશ અવસર પરમાર, ભરત રાજા મેવાડા અને સુરેન્દ્રનગર લીમડીના મેહુલ મનસુખ પરમારની અટકાયત કરી હતી.
એસઓજી પોલીસે સ્થળ પરથી 1,62,000 ની કિંમતના 2700 લીટર જવલનશીલ બાયો ડીઝલનો જથ્થો પીકઅપ વાનમાં ફિટ કરેલ ઇલેટ્રીક મોટર તેમજ અન્ય સાધનો અને 3 લાખની પીકઅપ વાન મળી કુલ રૂપિયા 5,18,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરત વરાછા ખાતે રહેતા મહેશ રાજા મેવાડાને વોન્ટેડ જાહેર કરી બાયો ડીઝલના નમૂના લઇ એફ.એસ.એલ માં મોકલી આપી અંકલેશ્વર મામલતદારને જાણ કરી આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર