ઇદે મિલાદુન્નબી એટલે ઇસ્લામ ધર્મના દિવસે મુસ્લિમો દ્વારા નિયાઝો તેમજ જુલુસ કાઢી મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકની જિયારત કરાવવામાં આવે છે, પરંતુ કોવીડ-19 ની મહામારીને કારણે ગયા વર્ષે સદંતર જુલુસ મોકૂફ રાખવામાં આવ્યું હતું તો આ વર્ષે સરકારના પરિપત્ર અને કોવીડ-19 ની ગાઇડલાઇનની શરતી પરવાનગીને ધ્યાને લઇ દરેક વિસ્તારની મસ્જિદોમાં ધાર્મિક વિધિ સોશીયલ ડીસ્ટન્સનાં પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર ખાતે દર વર્ષે શહેરનો એક માત્ર જુલુસ નીકળતો હતો પરંતુ અંકલેશ્વર શહેર તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટી દ્વારા સરકારના પરિપત્રમાં ફકત 15 માણસની પરવાનગી હોવાથી કમિટી દ્વારા નિર્ણય લેવાયો હતો કે આ વર્ષે તમામ લોકો પોતપોતાના વિસ્તારની મસ્જિદો અને પોતાના વિસ્તારમાં જ તહેવારની ઉજવણી કરવાની રહેશે એને ધ્યાનમાં રાખી તમામ લોકોએ સાદગી પૂર્વક તહેવારની ઉજવણી કરી હતી.
અલ ઉમર કમિટી દ્વારા નિયાઝનો આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોકોએ નિયાઝનો લ્હાવો લીધો હતો, આ પ્રંસગે સૈયેદ સાદાત ગ્યાસુદ્દીન સૈયદ, અર્શદ કાદરી, કમિટીના બખ્તિયાર પટેલ, વસીમ ફડવાલા, નજમુદ્દીન ભોલા, મોહમ્મદઅલી શેખ, ફારૂક શેખ, અમજદ પઠાણ, બખ્તિયાર ભાઈ આશિયાના હોટેલવાળા, આમિર મુલ્લા, ઇકબાલભાઇ મુલ્લા, અલ ઉમર કમિટીના સદસ્યો વગેરે હાજર રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર