રાજ્યમાં આવનારા ડીસેમ્બર મહિનામાં અનેક ગ્રામ પંચાયતોમાં ચુંટણી જાહેર કરવામાં આવી છે અને તે માટે પંચાયતોમાં મતદાર યાદીઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પરંતુ જાહેર થયેલી મતદાર યાદીમાં ચાલુ વર્ષમાં ૧૬,જાન્યુઆરી-૨૧ પછી નવા નોંધાયેલ મતદારોના નામો સામેલ ના કરાતા ભારે નારાજગી દેખાઈ રહી છે.
આ મતદારોના નામો કેન્દ્ર ચુંટણી પંચની યાદીમાં સામેલ છે જેને ઘટક-૨ કે પુરવણી યાદી-૨ તરીકે નોધવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના અંદાજે ૮૦૦૦ મતદારો સહીત રાજ્યના લાખો મતદારો આ પ્રસિદ્ધ થયેલ યાદીમાં સામેલ ના હોવાના કારણે તેઓ નામો નોધાયા હોવા છતાં મત આપવાના મોલિક અધિકારથી વંચિત રહેશે.
આ બાબતમાં લેખિત અને મૌખિક ફરિયાદ કરનાર પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ રાજ્ય સરકાર દ્વારા મતદાન નોંધણી માટે મોટા અભિયાનો ચલાવવામાં આવે છે, કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. સરકારી કર્મચારીઓ રજાના દિવસે પણ ફરજ બજાવી મતદાર યાદીઓ તૈયાર કરતા હોય અને એ યાદીઓનો સમાવેશ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ના કરાતો હોય તો આ મતદારો સાથે ફરજ બજાવનારા અધિકારીઓ સાથે પણ અન્યાય છે. સાચા અને લાયક મતદારો મત આપવાના અધિકારથી વંચિત ના રહે તે માટેની અમારી લેખિત અને મૌખિક રજૂઆતના જવાબમાં મામલદાર સાહેબ અંકલેશ્વર સાહેબે જણાવ્યું છે કે આ યાદી રાજ્ય ચુંટણી પંચ તરફથી જાહેર થઈ છે. તમારા વાંધા/સૂચનો અમો વડી કચેરીએ મોકલી આપીશું આખરી નિર્ણય વડી કચેરી જ લેશે.”