ઝગડિયા જીઆઇડીસી ના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ઝગડિયાથી પાઈપલાઈન દ્વારા દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપલાઈન હાંસોટ ખાતેના ખેતરોમાંથી પસાર થાય છે. તારીખ ૨૪/૦૯/૨૧ ના રોજ ખેડૂતોને તેમના ખેતરોમાં પ્રદુષિત પાણી વહી રહ્યા હોવાની જાણ થતા તેમના દ્વારા NCT ના સત્તાધીશોને આ બાબતની મૌખિક/લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ NCT ના સત્તાધીશો અને ખેડૂતોની અનેક મુલાકાતો થઈ પરંતુ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પાઇપલાઇનનું રીપેર કામ પણ થયું નથી અને આજે પણ ખેતરોમાં પ્રદુષિત પાણી ભરાયેલ છે. ખેતીની જમીન અને ભૂગર્ભ-જળના થતા આ પ્રદુષણને અટકાવવા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કલેકટર સાહેબ ભરૂચ અને નાયબ કલેકટર સાહેબ અંકલેશ્વરને રૂબરૂમાં આવેદન આપવામાં આવ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ NCT ના સત્તાધીશો દ્વારા ૨૦ દિવસ બાદ પણ રીપેર કામ ના કરાવવાના કારણે પાક અને જમીનની ફળદ્રુપતાને મોટું નુકસાન થવાની સાથે આ પ્રદુષિત પાણીના કારણે ભૂગર્ભ-જળ પણ પ્રદુષિત થશે. આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા આજે અમોએ કલેકટર સાહેબ ભરૂચ અને નાયબ કલેકટર સાહેબ,અંકલેશ્વરને રૂબરૂ મળી આવેદન આપ્યું છે. તેમજ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અને જીપીસીબી ના મેમ્બર સેક્રેટરીને પણ આ ફરિયાદ ઇ-મેલ દ્વારા કરવામાં આવી છે.