ભરૂચના વતની ૪૫ વર્ષની મહિલાને મગજની નસ ફાટી જવાના કારણે (એન્યુરિઝમ રપ્ચર) બેભાન અવસ્થામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનું ચીરા વગરનું ઓપરેશન કે જેમાં મગજની નસની અંદર એન્યુરિઝમ (નસના સોજા) વાળા ભાગમાં કોઇલ ફીટ કરી રક્તસ્ત્રાવ (બ્લીડીંગ) બંધ કરી, હેમરેજને અટકાવાયું અને દર્દીને નવું જીવન આપવામાં આવ્યું.
આ પ્રકારની જટિલ અને જવલ્લેજ થતી સર્જરી હોસ્પિટલના ફુલટાઇમ ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રકારની સર્જરી થતા હવે દર્દીઓને મોટા શહેરો સુધી જવાની જરૂર રહેશે નહિ. ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ અદ્યતન ઓપરેશન થિયેટર અને ન્યુરોસર્જરીના તમામ સાધનો થકી આ પ્રકારના ઘણા જટિલ ઓપરેશન શક્ય બન્યા છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર