અંકલેશ્વરમાં ચોમાસાની ઋતુમાં મોટાભાગના વિસ્તારોમાં બિસ્માર માર્ગોના કારણે વાહન ચાલકો અને લોકોની હાલત ભારે કફોડી બની છે, ઠેરઠેર મસમોટા ખાડા અને કાદવ કીચડના સામ્રાજ્યથી તંત્ર સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
આજરોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારના રહીશો દ્વારા ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં ઢોલ નગારા સાથે તંત્ર વિરોધ રેલી યોજી પાલિકા કચેરી સુધી પહોંચી ઊંઘતા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
આ રેલી અંકલેશ્વર નગરપાલિકાના અપક્ષ સભ્ય બકોભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં પાલિકાની ચીફ ઓફિસરની ચેમ્બરમાં મોટી સંખ્યામાં સ્થાનિકોને સાથે રાખી બિસ્માર રસ્તાઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ અપક્ષ સભ્ય અને વિરોધ કરનાર લોકો પાલિકા પ્રમુખને ખરાબ રસ્તાનો સ્થળ નિરીક્ષણ કરવા લઇ ગયા હતા.
જોકે અંકલેશ્વર પાલિકા પ્રમુખની પાછળ જ ભાજપ વિરોધના નારા લાગતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી બિસ્માર માર્ગો મામલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્ર થાય જ છે અને થશે જેવી નીતિ અપનાવી કામમાં વિલંબ કરતું હોય આખરે લોકો હવે વિરોધનો રસ્તો અપનાવી તંત્ર સામે બાયો ચઢાવી રહ્યા છે.