અંકલેશ્વર પંથકમાં જીઆઇડીસીમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીમાં વહેલી સવારે બે બંધ મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરવાની ઘટનાની પગલે સોસાયટીના રહીશોમાં ભય ફેલાવા પામ્યો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ની ગુરૂકૃપા સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. મકાનમાંથી રોકડ રકમ સહિતના માલમત્તાની ચોરી કરી હતી. ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતા.
બનાવ અંગે મળતી માહિત અનુસાર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીના બે બંધ મકાનમાં ચોરીની ઘટનામાં પોતાના પરિવાર સાથે રહેતા ચિંતન પંડ્યા સાસુની તબીયત ખરાબ હોય ખબર લેવા ગયા હતા. જ્યાંથી વહેલી સવારે પરત આવી જોતા તેમના ઘરનું તાળુ તુટેલી હાલતમાં હતું. તેમજ તેમના પડોશી જે અમદાવાદ ગયા હોય એમના ઘરનું પણ તાળુ તુટેલી હાલતમાં હતું.
ઘર માલિક ચિંતનભાઇએ પોતાના ઘરમાં જઇ અને જોતા તમામ સામાન વેર વિખેર પડયો હતો અને તિજોરી ખુલ્લી હોવાથી ચોરી થયાનું માલુમ પડતા જ ચિંતનભાઇ પંડ્યાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ કરાતા જ જી.આઇ.ડી.સી. પોલીસ તાત્કાલીક ગુરૂકૃપા સોસાયટી ખાતે દોડી આવી હતી અને સી.સી.ટીવી. ફૂટેજ ચેક કરતા જેમાં સ્પષ્ટપણે ત્રણ જેટલા તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું હતું. જેને લઈને જી.આઇ.ડી.સી. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર