– અંકલેશ્વર વિસ્તારની ઔદ્યોગિક વસાહતનું પ્રદુષિત પાણી અઠવાડિયા પછી પણ બે-રોકટોક આમલાખાડીમાં વહી રહ્યું છે. તંત્રની કાર્યવાહી થઈ રહી છે નો દાવો.
ગત તારીખ ૧૫/૦૯/૨૧ ના રોજ વહેલી સવારથી જ અંકલેશ્વરની આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી અને પમ્પીંગ સ્ટેશન પાછળથી એફલુઅન્ટ ખાડીમાં જતું હતું.
નોટિફાઇડ હદ-વિસ્તારમાંથી વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પીળા કલરનું પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઇ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને જે તે વખતે ફોન કરી ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા સાંજે સેમ્પલો હર-હમેંશ મુજબની કાર્યવાહી કરી હતી. જોકે આજે 6 દિવસ બાદ પણ પ્રદુષિત પાણી એ જ રીતે વહી રહ્યું હતું. જેની આજે પણ મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને NCT ને કરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “અંદાજીત અઠવાડિયા બાદ પણ ફાઇનલ પમ્પિંગ સ્ટેશન પાસેથી વહેતુ પ્રદુષિત પાણી પણ એ જ પરિસ્થિતિમાં વહે છે. કેટલાક ઉદ્યોગકારોને માનવ સ્વાસ્થય કે પર્યાવરણની કોઈ ચિંતા જ નથી. આજે પણ અમારા દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાતા અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારા દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી છે અને અંકલેશ્વર વસાહતના ગુન્હેગારો પકડાયા પણ છે અને તેમના પર કાયદા મુજબની કાર્યવાહી પણ થઈ રહી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આસપાસ અનેક કુદરતી વરસાદી ખાડીઓ વહે છે જેમાં વાંરવારના પ્રદુષિત પાણીના વહનથી માછલીઓ અને જળચળના મૃત્યુ થાય છે. અગાઉ પણ 8 થી 10 વખત પ્રદુષિત પાણી ખાડીઓમાં વહી રહ્યું હતું જેનાથી અનેક માછલીઓનાં મૃત્યુ થયા હતા. જે-તે વખતે જીપીસીબી ગાંધીનગર તરફથી હર હમેંશ મુજબ નોટીસો આપી દિશા નિર્દેશો આપવામાં આવેલ હતા. જોકે તેનું અમલ કેટલું થયું એ બાબતે પ્રજા અજાણ છે અને આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. આમલાખાડી અને છાપરાખાડી પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી જતા પ્રદુષિત પાણીથી વારંવાર પ્રદુષિત થાય છે.