ગતરોજ વહેલી સવારથી જ અંકલેશ્વર વિસ્તારની ઔદ્યોગિક વસાહતોનું આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળતા તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી અને પમ્પીંગ સ્ટેશન પાછળથી એફલુઅન્ટ ખાડીમાં જતું હતું.
નોટિફાઇડ હદ-વિસ્તારમાંથી વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પીળા કલરનું પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડીમાં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઇ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને ફોન કરી ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા સાંજે સેમ્પલો હર-હમેંશ મુજબની કાર્યવાહી કરી હતી. જોકે આજે ૨૪ કલાક બાદ બીજા દિવસે પણ પ્રદુષિત પાણી એ જ રીતે વહી રહ્યું હતું. જેની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને NCT ને કરવામાં આવી છે.
જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની આસપાસ અનેક કુદરતી વરસાદી ખાડીઓ વહે છે. જોકે તેનું અમલ કેટલું થયું એ બાબતે પ્રજા અજાણ છે અને આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. આમલાખાડી અને છાપરાખાડી પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાંથી જતા પ્રદુષિત પાણીથી વારંવાર પ્રદુષિત થાય છે.
24 કલાક બાદ ફાઇનલ પંપિંગ સ્ટેશન પાસેથી વહેતુ પ્રદુષિત પાણી પણ એ જ પરિસ્થિતિમાં વહે છે. જે સાબિત કરે છે કે આ પ્રદુષિત પાણીને રોકવામાં કોઈને રસ નથી અને માની લીધું છે કે હવે આ આવું જ ચાલશે. પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ પણ નક્કી કરી શકાતું નથી. ઝધડિયા વસાહતનું છે કે અંકલેશ્વર વસાહતનું છે એના માટે અલગ અલગ દાવાઓ અને પુરાવાઓ રજુ કરવામાં આવી રહ્યા છે.
અમારો પ્રશ્ન એ કે શું આના માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર છે ? પીળા કલરનું પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ શોધવા શુ કોઈ આધુનિક ટેકનોલોજીની જરૂર છે ? જીપીસીબી મોનીટરીંગ ટીમ, NCT મોનીટરીંગ ટીમ, AIA એનવાયરમેન્ટની મોનીટરીંગ ટીમના ધ્યાને નથી ? મોટો ખર્ચ કરી CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યાં આ દેખાતું નથી ? અને આ જ્યાંથી પણ આવતું હોય આ પર્યાવરણને આ મોટું નુકશાન છે.”