ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ખાનગી બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ આજે વહેલી સવારે થયો છે. જ્યાં લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.
ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા આજે ભાવનગરથી સુરત તરફ જતી આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. ત્યારબાદ નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાર્સિંગની અર્ટિગા કારે બસને ઉભી રાખી હતી.
જ્યાં લૂંટારુઓએ બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓને લુંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામે પડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ તેઓ ઉપર ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયો હતો, તો બીજી તરફ ઘટના બાદ બુમરાણ મચી જતા લૂંટારુઓ સ્થળ છોડી ફરાર થઇ ગયા હતા.
અચાનક વહેલી સવારે બનેલી લૂંટની ઘટનાના પગલે પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા પણ ઘટનાના પગલે સ્થળ પર દોડી ગયા હતા અને ઠેરઠેર હાઇવે ઉપર નાકા બંધીના આદેશ કરી અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા..!