અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ની સોમાની ચોકડી પાસેની પાટિલ ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે પાર્ક કરેલ બિસ્કિટ ભરેલ ટેમ્પો મળી કુલ 8.42 લાખની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા.
બનાવની મળતી માહિતી અનુસાર હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષ અમૃતરાવ પાટિલ મૂળ રહે.મહારાષ્ટ્રના જલગાવના સેવગેબુદ્રના અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સોમાની ચોકડી નજીક પાટિલ ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવે છે જેઓના ટ્રાન્સપોર્ટનો ટેમ્પો નંબર-જી.જે.16.x.6371 નો ચાલક અશોક દેવમન સીરસાટ ગત તા.12 મી ઓગસ્ટના રોજ લઈ ઝઘડિયાની બ્રિટાનીયા કંપનીમાં બિસ્કિટ ભરવા ગયો હતો જે વિવિધ બિસ્કિટના 838 નંગ બોક્સ મળી કુલ 8.42 લાખથી વધુનો માલ સામાન ભરીને સાંજના આઠ વાગ્યે અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સોમાની ચોકડી સ્થિત પોતાની ટ્રાન્સપોર્ટ ઓફિસ આવ્યો હતો અને ટેમ્પો ઓફિસ સામે પાર્ક કરી ઘરે ગયો હતો ત્યારે રાતે ચોરોએ બિસ્કિટ ભરેલ ટેમ્પોને નિશાન બનાવ્યો હતો અને ટેમ્પોમાં રહેલ બિસ્કીટના બોક્સ સહિત ટેમ્પો મળી કુલ 8.42 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ટેમ્પો ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર