ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ અંસાર માર્કેટ વિસ્તાર તેની ગુનાહિત પ્રવૃતિઓને લઈ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે, આ વિસ્તારમાં અનેકવાર શંકાસ્પદ ભંગારના જથ્થા ઝડપાવવા તેમજ આગ લાગવા જેવી ભયાનક ઘટનાઓ સર્જાતી આવી છે.
અંસાર માર્કેટ જેવું નામ તેવા જ અનેક અંસાર તંત્ર માટે છોડતું હોય છે, પરંતુ અંકલેશ્વરનું વહીવટી તંત્ર આ ભંગારીયાઓની કરતુતો સામે કેમ કાર્યવાહી કરવામાં લાચારી અનુભવે છે તેવી બાબતો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
કહેવાય છે કે અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં રાત્રીના 8 વાગ્યા બાદ જ બધા ખેલ શરૂ થાય છે, વિસ્તારમાં રાત્રીના સમયે કચરો સળગાવવામાં આવે છે, હવે આ કચરો ભંગારીયાઓ કયા પ્રકારનો સળગાવતા હશે તે તો મામલે તપાસ બાદ જ ભાંડો ફૂટી શકે તેમ છે.
પરંતુ અહીંયા વાત કરવામાં આવે તો દિવાળીના તહેવાર પહેલા જ અંકલેશ્વરમાં વાયુ પ્રદુષણની માત્રમાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં AQI માં વાયુ પ્રદુષણની માત્રા જોખમી સ્વરૂપમાં જોવા મળી રહી છે.
હાલ તો એક લોક ચર્ચા મુજબ અંસાર માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉનો ધરાવતા લોકો ઔધોગિક કંપનીઓમાંથી આવતો કેમિકલ યુક્ત કચરાનો સરળતા થી બિન્દાસ નિકાલ થઈ શકે તે પ્રકારની પ્રવૃતિઓને રાત્રીના સમયે કચરો સળગાવ્યોની બુમ વચ્ચે પોતાના નાપાક મનસુબા પાર પાડી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
તહેવાર સામે જ આ પ્રકારે બફામ અને બિન્દાસ બનેલા વાયુ પ્રદુષણ માફિયાઓ સામે આખરે અંકલેશ્વરનું જીપીસીબી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવી બાબતો ઉપર પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક જાગૃત નાગરિકો ચાતક નજરે રાહ જોઈ બેઠા છે.
તો બીજી તરફ જાગૃત અને ઔધોગિક એક્મોથી ઘેરાયેલ અને સતત પોતાની કામગીરીમાં વ્યસ્ત રહેતું જીપીસીબી ના બાહોશ અધિકારીઓ આખરે આ પ્રકારના તત્વો સામે કયારે કાર્યવાહી કરશે અથવા કાર્યવાહી કરતા કેમ અચકાઈ રહ્યા છે, તેવા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.