ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદથી જ જિલ્લાના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે, મુખ્ય માર્ગો પરજ ઠેરઠેર મસમોટા ખાડા અને રસ્તા પરથી વાહન પસાર કરી લઈ જવુ પણ મુશ્કેલી સમાન બન્યું છે, તંત્રમાં સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા અવારનવાર રજુઆતો કરી છે છતાં આ અંગે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રણનીતિ સાથે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી, અને આવ્યું છે તો માત્ર પેચ વર્ક કામગીરી કરી તંત્ર એ સંતોષ માળ્યો છે.
ત્યારે આજરોજ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા તંત્રની નીતિ સામે વિરોધ પ્રદશન કર્યું હતું, વાલિયા ચોકડી વિસ્તારમાં યુવા કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાન, ગુજરાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, અંકલેશ્વર યુવા કોંગ્રેસના શરીફ કાનુગા સહિતના કાર્યકરો અને આગેવાનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનના કારણે જ્યાં એક તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો તો બીજી તરફ આંદોલન કરી રહેલા કોંગી આગેવાનોને પોલીસે અટકાવતા પોલીસ અને યુવા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જે બાદ પોલીસે 10 થી વધુ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી.
અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કોંગ્રેસનું ચક્કજામ, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયુ ઘર્ષણ, બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસ આક્ર્મક
Advertisement