અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનો કાર્યકમ યોજાયો હતો. જેમાં 59 ગ્રામ પંચાયતોમાંથી આવેલ માટીને તાલુકા કક્ષાના અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી હતી.
અંકલેશ્વરના ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ જણાવ્યું હતું કે, અમૃત કળશ યાત્રા અંતર્ગત મેરી મીટ્ટી મેરા દેશ:વીરોને વંદન કાર્યક્રમમાં તાલુકા પંચાયત ખાતે 59 ગ્રામ પંચાયતોમાંથી આવેલ અમૃત કળશને એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં 15 માં નાણાં પંચ 2022-23 ના વર્ષના અંકલેશ્વર તાલુકાની કુલ 21 ગ્રામપંચાયતોને કુલ 2 કરોડ 87 લાખના વિકાસના કામોના વહીવટી મંજુરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે ગત વર્ષે 80 ટકાથી વધુ વસુલાત કરનાર તાલુકાની 14 ગ્રામપંચાયતોના તલાટીઓને પ્રસંશાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા માટે મારી માટી, મારો દેશ અને અમૃત કળશ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી માટી એકત્ર કરીને રાજ્યમાંથી દેશના પાટનગર ખાતે પહોચાંડવાનું અભિયાન આયોજીત કરાયું છે.
અંકલેશ્વર તાલુકાના 59 ગ્રામપંચાયતોના સરપંચો અને તલાટીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે અમૃત કળશ યાત્રા લઇને આવી પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ અમૃત કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતોને વિકાસના કામોની વહીવટી મંજૂરી પત્રો તેમજ વધુ વસુલાત કરેલ તલાટીઓને પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમનભાઈ વસાવા સહીત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને તમામ ગામોના સરપંચો તેમજ તલાટીઓ સહીત તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.