સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ માતૃપૂજન, રામેલિયા ક્રિયેટીવ લર્નિંગ સેન્ટર, પ્રજ્ઞા કાઉન્સેલિંગ સેન્ટર અને મહિલા ઉધોગ સાહસિકતા કેન્દ્રનો શુભારંભ કાર્યક્રમ અંકલેશ્વર મુકામે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ માતૃપૂજનના મુખ્યવકતા તરીકે લેખિકા અને પ્રેરક વકતા ડો.અંકિતા મુલાણી ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત પ્રજ્ઞા કાઉન્સેલિંગ અને મહિલા ઉધોગ સાહસિકતા કેન્દ્રના મહેશભાઇ પટેલ અને રામલિયા ક્રિયેટીવ લર્નિંગ સેન્ટરના ભૂપતભાઇ પી.રામોલિયા તેમજ એઆઇએના પ્રમુખશ્રી જશુભાઇ ચૌધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયાએ જણાવ્યું હતું કે આજના ભાગદોડ ભરેલા વ્યસ્ત જીવનમાં બાળકોમાં રહેલા સંસ્કારોને ઉજાગર કરવા માટે સંસ્થા દ્વારા માતૃવંદના અનેરો કાર્યક્રમનો ગોઠવવા બદલ આયોજકોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આવા કાર્યક્રમો સમગ્ર રાજયમાં વધુમાં વધુ ગોઠવાય તેવા પ્રયાસો થવા જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માતા ભીનામાં સુએ અને બાળકને કોરામાં સુવડાવે છે આવો પ્રેમ એક માતા જ કરી શકે છે તેમણે એમ પણ કહયું કે શિક્ષક અને માતા બાળકના જીવનનું ધડતર કરે છે માતા તરફથી મળેલા સંસ્કારો સૌથી મોટી સંપત્તિ છે એટલે જીવનમાં ગમે તેટલી ઉંચી જગ્યાએ પહોંચીએ પણ માતા-પિતાનું ઋણ ભુલાવું જોઇએ નહિ તેમ જણાવ્યું હતું.
માતૃપૂજન કાર્યક્રમના મુખ્યવકતા લેખિકા અને પ્રેરક વકતા ડો.અંકિતા મુલાણીએ માતા અને બાળક વચ્ચેનો પ્રેમ ખૂબ જ રસાળ શૈલીમાં વકતવ્ય આપી સૌને મંત્રમૃગ્ધ કર્યા હતા. આ વેળાએ શાળાના બાળકો ધ્વારા માતૃપૂજન કરી માતૃવંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નાયબ મુખ્ય દંડકના વરદહસ્તે રામેલિયા ક્રિયેટીવ લર્નિંગ સેન્ટર, પ્રજ્ઞા કાઉન્સેલિંગ સેન્ટર અને મહિલા ઉધોગ સાહસિકતા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક તથા મહાનુભાવો ધ્વારા શાળાની વિઝીટ કરવામાં આવી હતી. બાળકો દ્વારા થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ જનકભાઇ, જે.પી.કાકડીયા, નોટીફાઇડ એરિયાના મનસુખભાઇ વેકરીયા, અધ્યક્ષ નારણભાઇ નાવડીયા, સંસ્કારદીપ ટ્રસ્ટના ગીતાબેન શ્રીવત્સન, માનદમંત્રી હિતેન આનંદપુરા, સંકુલ નિયામક સુધા વડમામા, આચાર્યા દિપ્તીબેન ત્રિવેદી, સંસ્થાના અન્ય હોદેદારો, શાળા પરિવાર, બાળકો, માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.