ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સામાજિક પ્રસંગે આવેલી 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરા 4 મહિનાનો ગર્ભ રહી જતાં પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારની અને હાલ દિલ્હી ખાતે રહેતી 15 વર્ષીય સગીરા તેના પરિવારજનો સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી તેની બહેનના ત્યાં કોઈક સામાજિક પ્રસંગ અર્થે આવી હતી. જે સામાજિક પ્રસંગ બાદ તેના પરિવારજનો પરત દિલ્હી ખાતે જતાં રહ્યા હતા, જ્યારે સગીરા તેની બહેન અને બનેવી સાથે અંકલેશ્વર ખાતે રોકાઈ હતી. આ દરમ્યાન બનેવીએ સગીરા ઉપર દાનત બગાડી તેને પીંખી નાખી હતી. જે બાદ સગીરા દિલ્હી ખાતે માતાના ઘરે જતાં ત્યાં તેને પેટમાં દુખાવો થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને 4 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સગીરાની માતાએ તેની પૂછપરછ કરતાં તેણી સાથે તેના બનેવીએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યુ હતું, ત્યારે હાલ તો બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે નરાધમ બનેવીની ધરપકડ કરી દુષ્કર્મ અને પોકસો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.