અંકલેશ્વરની જૂના બોરભાઠાની પુર અસરગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓની વ્હારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘે આવી શાળાના સવા ત્રણસોથી વધુ વિદ્યાથીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું.
નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણી એ વિનાશ વેર્યો છે. જેમાં કાંઠા વિસ્તારના ગામડાં, શાળાઓ પણ બાકાત નથી, શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થયા છે, કાંઠા વિસ્તારની શાળાએ જતા વિદ્યાર્થીઓના પુસ્તકો સહીતનુ ભણવાનું સાહિત્ય પણ પાણીમાં વહી ગયુ અથવા ખરાબ થયુ છે. આવા કપરા સમયમાં પત્રકારત્વની સાથે સાથે સામાજિક ક્ષેત્રે કાર્યરત જીલ્લાના પત્રકારોની સંસ્થા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ આવા કપરા સમયે કાંઠા વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આગળ આવી હતી. કાદવ કીચડના ઢગથી ખડકાયેલ જૂના બોરભાથા બેટની પ્રાથમિક શાળામાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડ સાથે મળી સફાઈ અભિયાન હાથધરી અભ્યાસ કાર્ય શરૂ કરવા તૈયાર કર્યા બાદ શાળાના પ્રથમ દિવસે મદદરૂપ થવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. જેના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા બાળ વાટીકાથી ધોરણ ૮ સુધીના ૩૪૧ બાળકોને નોટબુક, કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેના પગલે બાળકોના ચહેરા પર પૂરની યાતનાઓને ભૂલી ખુશી છવાઈ ગઈ હતી.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલે બાળકોને સાહસ વિના સિદ્ધિના હોવાની ઉક્તિ વર્ણવતા આવી કુદરતી આફતોથી આપણે વધુ મજબૂત થઈ બહાર આવતા હોવાનું કહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ દરમ્યાન અંકલેશ્વરના એસ.ડી.એમ નાતિષા માથુર
પણ બાળકો માટે બિસ્કીટના પેકેટ સાથે આવતા બાળકોને શૈક્ષણિક કીટ તેમજ બિસ્કીટ વિતરણ કાર્યક્રમ તેઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો, તેમજ શાળાના આચાર્યા કિરણબેન પટેલ અને શિક્ષકો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સંઘ દ્વારા સરાહનીય કાર્ય કરવા બદલ શાળાએ સન્માનપત્ર પણ આપ્યું હતું.
અંકલેશ્વરની જૂના બોરભાઠાની પૂર અસરગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ એ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું
Advertisement