અંકલેશ્વરના જુના બોરભાઠા બેટમાં તસ્કરો એ તરખાટ મચાવ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી વિગત મુજબ વિધવા મહિલા પોતાનું મકાન બંધ કરી બીજા ફળિયામાં રહેતા સંબંધીને ઘરે સુવા જતાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.6.42 લાખના મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા.
અંકલેશ્વરના બોરભાઠાના આંબલી ફળિયામાં કમળા રમણભાઈ પટેલ પતિના મૃત્યુ બાદ તેમના પેન્શન અને ઘરકામ કરીને એકલવાયું જીવન ગુજારે છે. છેલ્લા ચાર દિવસથી તેઓ નજીક આવેલા સ્કૂલ ફળિયામાં રહેતી તેમની બહેન સોમી મણિલાલ પટેલના ઘરે જમવા અને સુવા માટે જતાં હતા. ગત રાત્રીના પણ તેઓ રાત્રીના પોતાના મકાનને તાળું મારી બહેનના ઘરે સુવા ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી કોઈ તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરે મકાનમાં રહેલા અલગ અલગ પતરાના કબાટો તોડી તેમાં રહેલા તેમના પતિના પેન્સનના રૂ.2.80 લાખ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.6,42,000 ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે બીજા દિવસે સવારે પાડોશી એ કમળાબેનને જાણ કરી હતી કે, તેમના મકાનનો નકુચો તૂટેલો છે. જેથી તેઓ તાત્કાલિક ઘરે પહોંચી તપાસ કરતાં તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાના ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળેલ છે.