અંકલેશ્વર શહેરના ગણેશ આયોજકો દ્વારા નર્મદા નદી ખાતે ગણેશજીની પ્રતિમાઓનું વિશર્જન કરવાની માંગ સાથે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં અલગ-અલગ વિસ્તાર અને સોસાયટીઓમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે. મૂર્તિના વિસર્જન માટે અમુક વર્ષોથી કૃત્રિમ કુંડ ઊભા કરી ફરજિયાતપણે કુંડમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા બાદમાં ગણેશજીની પ્રતિમાની સાર સંભાળ રાખવામા આવતી ન હોય તેવા આક્ષેપ સાથે ગણેશ આયોજક મંડળે પ્રાંત અધિકારી સમક્ષ લેખિત આવેદન પત્ર પાઠવી નર્મદા નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાની તંત્ર સમક્ષ માંગણી કરી છે.
અંકલેશ્વર પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે તંત્ર દ્વારા વિસર્જન બાદ વિસર્જિત ભગવાન ગણેશની પ્રતિમાનું યોગ્ય જતન કરવામાં આવતું ન હોય આથી તમામ નગરજનોની ધાર્મિક લાગણી દુભાય છે. તંત્ર ગણેશજીની વિસર્જિત મૂર્તિની સંભાળ લેવામાં સદંતર નિષ્ફળ નિવડયું હોય આથી આ વર્ષે ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવે તેવી મંજૂરી અને માંગણી આયોજકો દ્વારા કરાઇ છે તેમજ નદીમાં ગણેશ વિસર્જનની પરવાનગી આપવામાં નહીં આવે તો તમામ આયોજકો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.