ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં ઔધોગિક એકમો અને ભંગારના ગોડાઉનોમાં અવારનવાર આગ ફાટી નીકળતી હોય છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના ગત રાત્રીના સમયે અંકલેશ્વર,પાનોલી વચ્ચે નેશનલ હાઇવેને અડીને આવેલ વિસ્તારમાંથી સામે આવી હતી.
અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર આવેલ અમર તૃપ્તિ પાસે એક ભંગારના ગોડાઉનમાં ગત મોડી રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, અચાનક લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થળ ઉપર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા અંગેની જાણ અંકલેશ્વર તેમજ પાનોલી ફાયર ફાઇટરોને કરવામાં આવતા ફાયરના લાશકરો એ તાત્કાલિક લાયબંબા સાથે સ્થળ ઉપર પહોંચી જઈ આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે અંકલેશ્વર પંથકમાં અવારનવાર ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે, જે અંગેના ચોક્કસ કારણો પણ સામે આવતા નથી જોકે લોક ચર્ચા મુજબ કેમિકલ યુક્ત પદાર્થ અથવા થેલા હોવાના કારણે આ ગોડાઉનોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે.