અંકલેશ્વર શહેરમાં ચાલતી કારમાં જીવના જોખમે સ્ટંટ કરતાં 6 યુવાનોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરતા યુવાનો અન્ય વાહનચાલકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે. જ્યારે નવાઈની વાત તો એ છે કે કારમાં જે યુવક ડ્રાઈવિંગ કરતો હતો તે નબીરો પણ બારીમાંથી બહાર આવીને નાચ કરતો હતો. આ નબીરાઓએ તેમની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં નબીરા દ્વારા અકસ્માતમાં 10 લોકોના જીવ ગયા છે. ત્યારે આ યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સબક શીખડવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. ત્યારે અંકલેશ્વર GIDC પોલીસે ગણતરીના કલાકોની અંદર જ સ્ટંટ કરતા યુવકોને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર તથ્ય પટેલ નામના યુવકે પોતાની પાસેની જેગુઆર કાર 140 થી વધુની ઝડપે હંકારી લાવીને 10 નિર્દોષ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતાર્યા છે. જે ઘટના હજીય તાજી છે ત્યાં અંકલેશ્વર શહેરમાં જીવના જોખમે કારમાં સ્ટંટ કરતા 6 યુવકોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. આ સ્ટંટમાં બે યુવકો કારના સનરૂફ બહાર નીકળ્યા હતા અને કારચાલક સહિત અન્ય ચાર યુવકો કારની બારીઓમાંથી બહાર નીકળીને જીવના જોખમે નાચી રહ્યાં હતાં. આ નબીરાઓનો અન્ય વાહનચાલકે વીડિયો બનાવ્યો હતો જે હાલ સોશ્યલ મીડિયા વાઈરલ થયો છે.
નવાઈની વાત તો એ છે કે કારચલાક પોતે પણ સ્ટેરિંગ પકડીને તેની વિન્ડોમાંથી બહાર નીકળીને સ્ટંટ કરતો નજરે પડે છે. આ સમયે તેમની પાછળથી અન્ય વાહનો પણ પસાર થતાં દેખાઈ રહ્યા છે. આ સ્ટંટ કરતાં યુવાનો પોતે તો જીવનું જોખમ ઉઠાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે અન્ય લોકોના જીવ સાથે પણ ચેડાં કરી રહ્યા છે. જેથી આ યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરીને સબક શીખડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં કારમાં જીવના જોખમે સ્ટંટ કરતા યુવકોનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ મથકના PI બી.એન.સગર અને પોલીસ જવાનોની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે કારના નંબરના આધારે સ્ટંટ કરતા 6 યુવકોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે અંકિત પુરોહિત, સત્યમ યાદવ, દિપક યાદવ, રોહિત કામેશ્વર શાહ, કરણી પ્રસાદ અને અર્પિત ઝા ને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.