અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે તાજીયા જુલુસ નીકળ્યું હતું. વવિધ સ્થળના તાજીયા જુલુસ નિહાળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ મોડી રાતે સંપન્ન થયા હતા.
અંકલેશ્વરમાં માતમ પર્વ મોહરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ મસ્જિદોમાં આશુરાની નમાજ અદા કરી હતી સાથે મુસ્લિમ બિરાદરોએ આજે રોજા રાખ્યા હતા. અંકલેશ્વરના હજરત હાલીમશાહ દાતાર ભંડારી, કસ્બાતીવાડ, મુલ્લાવાડ, કાગદીવાડ, સેલારવાડ, તાડ ફળિયા, કસાઈવાડ, ભાટવાડ, ગરાસિયાવાડ, પિથાફળિયા, સર્વોદયનગર, દાતારનગર, અંસારમાર્કેટ 1,2, સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયાએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. મહોરમ પર્વ નિમિત્તે તાજીયાના રૃટ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા ખાસ કરીને ઠંડા પીણા તેમજ દૂધ કોલ્ડ્રીંક સહિતની ખાણીપીણી વસ્તુઓને નિયાજ સ્વરૂપે લોકોને વિતરણ કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ તાજીયાને આવકાર્યા હતા. શહેરી વિસ્તારમાંથી 19 થી વધુ તાજિયા જુલુસ જયારે કે નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટમાંથી બે અને અનમોલ પાર્કમાંથી ૧ એમ કુલ ૧૯ જુલુસ શનિવારના રોજ બપોરે નીકળ્યા હતા. જે અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર ફર્યા હતા. મોડી રાતે નગરપાલિકા પાસે તાજિયાને ઠંડા કરાયા હતા. અને નર્મદા નદી કાંઠે તાજીયાની કલાકૃતિઓનું વિસર્જન કરાયું હતું. કોમી એખલાસભર્યા માહોલમાં વરસાદની મહેર વચ્ચે તાજિયા જુલુસ નીકળી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તાજીયાનો તહેવાર હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.