ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોના માર્ગોની હાલત દયનિય બની છે, ખાસ કરી ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેરી વિસ્તારમાં અનેક જગ્યા એ માર્ગો બિસ્માર બનતા સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કરોડો અને લાખોની કિંમતના કોન્ટ્રાકટ લઈ રસ્તાઓ કોન્ટ્રાકટરો દ્વારા બનાવવામાં તો આવે છે પરંતુ એક જ વર્ષેમાં જે તે વિસ્તારમાં બનેલા નવા નકકોર રસ્તાઓ પર મસમોટા ખાડા ચોમાસાની ઋતુમાં પડી જતા હોય છે.
અંકલેશ્વર નગરપાલિકાના નગર સેવક બખતિયાર પટેલનો આજે જન્મ દિવસ હોય તેઓએ પોતાનો જન્મ દિવસ બિસ્માર રસ્તા વચ્ચે જઈ ઉજવ્યો હતો તેઓએ રસ્તા પર પડેલા ખાડા પાસે ટેબલ ગોઠવી કેક કટિંગ કરી પાલિકાની રોડ બનાવવા અંગેની નિષ્ફળતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના ચોમાના પ્રારંભ સાથે જ અંકલેશ્વરમાં અનેક સ્થળે રસ્તાનું ધોવાણ તેમજ મસમોટા ખાડા પડવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને રસ્તા પરથી પસાર થવું માથાના દુખાવા સમાન બન્યું છે તો પાલિકામાં પણ અનેક રજુઆતો છતાં તંત્રની ઢીલાસથી રીપેરીંગ કામગીરી ન થતી હોય લોકોમાં પણ પાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે.