આમલાખાડી પર બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ફરી એક વખત પાઇપો નાખી બનાવવામાં આવેલ હંગામી રસ્તો આમલાખાડીનાં વહી રહેલ પાણી માટે અવરોધ રૂપ બની રહ્યો છે. આ અગાઉ પણ આ રસ્તાનાં લીધે વર્ષા ઋતુમાં ધોધમાર વરસાદ આવતા પિરામણ ગામ અને અંક્લેશ્વર શહેરની પ્રજાને આમલાખાડીનાં ઓવરફ્લોનાં કારણે રસ્તાઓ બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડયો છે.
પિરામણનાં રહીશ સલીમ પટેલે જણાવ્યું હતું કે ” વારંવાર આમલાખાડી ઓવરફલો થવાના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે. આ સીઝનમાં ઓછા વરસાદમાં પણ પિરામણ ગામનો રસ્તો અનેક વખત બંધ થઈ ગયો હતો. હાલ ઓ એન જી સી બ્રિજ બંધ હોવાથી જી આઇ ડી સી તરફ અવરજવરના માટે બાકી રહેલ એક માત્ર રસ્તો બંધ થવાથી પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહેલ છે. આ બાબતે અમોએ મામલતદાર સાહેબ અંક્લેશ્વરને જૂન મહિનામાં જાણકારી આપી હતી, સાહેબે ચોમાસા પેહલા પાઇપો દૂર કરાવવાની સૂચનાઓ આપી હતી પણ તે દૂર કરવામાં આવી નથી. ભારે વરસાદમાં આ હંગામી બનાવેલ રસ્તા ઉપરથી પાણી જવાથી માટી ધોવાઈને ખાડીમાં જવાથી ખાડીમાં પુરાણ થઈ રહ્યું છે. રેલવે વિભાગને કામની ઉતાવળ છે તો એ ત્યાં સ્લેબ ડ્રેન પુલ બનાવી કાર્યવાહી કરી શકે છે જેથી પાણીને અવરોધ નહી થાય. પાઈપ નાખી રસ્તો બનાવવાથી પાણીને અવરોધ થઈ રહ્યો છે. ઇજારદાર પ્રજાને પડી રહેલ હાલાકીથી અજાણ હોઈ શકે પરંતુ તંત્ર આ બાબતે કેમ મૌન રહી શકે?