અંકલેશ્વર ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી રાષ્ટ્રપ્રેમથી ચાલ્કાતા માહોલમાં કરાઈ હતી. સરકારી કચેરીઓ તેમ જ શાળાઓ લહેરાતા તિરંગાથી શોભી રહ્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ મીનાબેન પટેલે તિરંગો લહેરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ડી.વાય.એસ.પી ઝાલાએ ચૌટાનાકા સ્થિત ડી.વાય.એસ.પી કચેરી ખાતે પ્રમુખ ભરત પટેલે ધ્વજવંદન કર્યું હતું.
અંકલેશ્વર એસ.ડી.એમ કચેરી ખાતે પ્રાંત અધિકારી રમેશ ભગોરાએ તિરંગાને સલામી આપી હતી. એપીએમસી ખાતે ચેરમેન કરસન પટેલે ધ્વજવંદન કર્યું હતું.
અંકલેશ્વર ઓ.એન.જી.સી ખાતે એસેટ મેનેજર દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે અંકલેશ્વરની યુનિટી સ્કૂલ ખાતે ધ્વજવંદન કર્યું હતું. જ્યારે કે માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધર્મેશ મકવાણા એ ઈ.એન જીનવાલા સ્કૂલ ખાતે તિરંગાને સલામી આપી હતી.
અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહભર્યા માહોલમાં કરાઈ હતી. અંકલેશ્વર સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનનાં ચેરમેન પ્રબોધ પટેલે ધ્વજવંદન કર્યું હતું. અંકલેશ્વરની આદર્શ સ્કૂલ ખાતે પ્રમુખ ઝવેરલાલ ઘીવાલાએ તિરંગો લહેરાવ્યો હતો. અંકલેશ્વર મહાવીર ટર્નીંગ પર આવેલ એસેન્ટ સ્કૂલમાં બ્રહ્માંકુમારીઝ્ના અંકલેશ્વર સેન્ટરના ઇન્ચાર્જ નીમાદીદીએ તિરંગાને સલામી આપી હતી.
અંકલેશ્વર તાલુકાના ખારોડ ગામે આવેલ ખારોડ પબ્લિક સ્કૂલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. તુષાર ચૌધરીએ ધ્વજવંદન કર્યું હતું.
અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાને સલામી અર્પી હતી.