અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતેની સકાટા ઇન્ક કંપનીમાં અઢી લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. તે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ એક મીકેનીકલ સીલ નામના સામાનની ચોરી થવા પામી હતી. જો કે કંપનીના જ કોઈ કર્મચારી પર શંકા જતા તેની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસે હાથ ધરી છે.
પાનોલી જી.આઈ.ડી.સીની સકાટા કંપનીમાં ગત રોજ તારીખ ૧૦મી જાન્યુઆરીના રોજ આ બનાવ બનવા પામ્યો હતો. જેમાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, એન્જીનીયર મેનેજરના કેબીનના પાછળ આવેલ વર્કશોપમાં ઉપયોગમાં લેવાતું ડાયનૉમીલ નામના મશીનમાં એક મીકેનીકલ સીલ નામનો સામાન ગુમ થઇ જવા પામ્યો હતો, જેની જાણ કંપનીના એચ.આર.મેનેજર હિતેશ ગાંધીને થતા તેઓએ વર્ક શોપમાં શોધખોળ કરી હતી.
મીકેનીકલ સીલ જેની કિંમતી આશરે ૨,૫૩,૨૦૦/- રૂપિયા હતી તે સામાન ની ચોરી થઇ હોય તેવું જણાતા તેમને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પૂછપરછ કરતા મેનેજર હિતેશ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચોરીમાં કંપનીના જ કોઈ કર્મચારીનો હાથ રહેલ છે તેવી આશંકાનાં આધારે પોલીસે તપાસ આગળ વધારી.
આજથી આશરે ૬ મહિના પહેલા આ જ કંપનીની એવી ઘટના સામે આવી હતી કે, કેટલાક કર્મચારીઓને કંપનીની ફરજ પરથી જાણ કર્યા વગર જ છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેથી કંપનીના કર્મચારીઓ ગેટની સમક્ષ ધારણા પર ધર્યા હતા અને આખરે કંપનીએ આ કર્મચારીઓને કેટલીક શરતોને આધીન ફરજ પર લેવામાં આવ્યા હતા તો એ મુદ્દો પણ વિચારણા કરવા જેવી છે કે આખરે કંપનીમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કહ્યા વગર જ કેમ ફરજ મુક્ત કરવામાં આવ્યા ???
અત્રે ઉલ્લેખનીય છે કે ૨,૫૩,૨૦૦/- નો સામાન કોને ચોરી કર્યો અને કેમ તે વિષય પર અંકલેશ્વર તાલુકા પોલીસે ગુણો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.


