અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ પેનોરમા એરોમેટિકલ્સ કંપની તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ બપોરે અચાનક યુનિટ પ્લાન્ટ 2 માં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. જાણવા મળતી માહિતી મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં વધારો થતા બ્લાસ્ટ થયો હોય તેવું તારણ બહાર આવ્યું છે. કંપનીના ફાયર એન્ડ સેફટી વિભાગે તાત્કાલિક અસરથી કાબુ મેળવી લીધો હતો .
પાનોલી જીઆઇડીસીમાં આવેલ રાસાયણિક કેમિકલ ઉત્પાદન કરી એક્ષ્પોર્ટ કરતી કંપની પેનોરમા એરોમેટીકલ્સ કંપનીમાં બુધવારની બપોરે અચાનક બ્લાસ્ટ થયો હતો. કંપનીના ફાયર એન્ડ સેફટી વિભાગ તાત્કાલિક કંપનીના યુનિટ પ્લાન્ટ 2માં બ્લાસ્ટ સ્થળે દોડી આવી કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ના હતી પરંતુ બ્લાસ્ટને લઇ કંપની પ્લાન્ટમાં ક્ષતિ સર્જાય હતી. કંપનીમા રાસાયણિક પ્રક્રીયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તાપમાન વધી જતા ચેમ્બર ડિસ્ટિલેશન કોલમ બ્રેક થવાની સાથે બ્લાસ્ટ સર્જાયો હતો.
આ ઘટના સંદર્ભે પાનોલી ફાયર વિભાગને પણ જાણ થતા તેની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જયારે કંપનીના મેનેજમેન્ટને સ્થળ પર પૂછતાછ કરતા તેઓએ કોઈ પણ જાતનો જવાબ આપ્યા વગર મૌન ધારણ કર્યું તો આ સ્થિતિ નો જવાબદાર કોણ ? ઘટના બની કેવી રીતે ? અને જો કંપનીમાં આવી રીતે કોઈ પણ ઘટના બને તો એ જવાબદારી કોના માથે ? સદભાગ્યે કોઈ જાનહાની નથી થઇ પરંતુ અગર થાય તો શું મેનેજમેન્ટ આવી જ રીતે મૌન ધારણ કરશે ? સમગ્ર ઘટનાની જાણ કંપની ઇન્સ્પેક્ટર કચેરીને કરતા તેઓ દ્વારા કંપનીમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી. જોઈએ આગળ શું તથ્ય બહાર આવે છે.