ભરૂચ જીલ્લાના ઉમલ્લા નગરમાંથી અંકલેશ્વર રાજપીપળા ની બ્રોડગેજ રેલ્વે લાઈન પસાર થાય છે. છેલ્લા ચાર વર્ષ થી માત્ર એક ટાઈમ ટ્રેનની અવાર જવર થઇ રહી છે.
ઝઘડિયા તાલુકાના વેપારી મથક ઉમલ્લા ગામના મુખ્ય બજારમાંથી રેલ્વે લાઈન પસાર થાય છે. રેલ્વે ફાટક ઉપરથી પસાર થતા રસ્તાની કામગીરી નક્કર નહિ થતા રસ્તો ઉબડ ખાબડ અવસ્થામાં હોવાથી ત્યાંથી પસાર થતા અસંખ્ય વાહનો, રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે.
ઉમલ્લા બસ સ્ટેન્ડ થી અસા, પાણોથા, વેલગામ, અછાલિયા, જાન્બોઈ પંથકના ૩૦ જેટલા ગામોની જનતા બાગાવતી ખેતી ઉપર નિર્ભર હોઈ માલ વહન કરવું કઠિન બન્યું છે. ફાટકની બંને તરફ વધુ ઊંચાઈ હોવાથી સીધું ચઢાણ વાહનો માટે શિરોવેદના સમાન છે.
ફાટકની ઉપર આર.સી.વર્ક કરેલ હોય રસ્તો તૂટી જવાથી મોટા ખાડા તથા લોખંડના સળીયા ઉપસી પડતા અવાર જવર કરનારાઓ માટે આ રસ્તો સમસ્યારૂપ બન્યો છે. રેલ્વે તંત્ર આ રસ્તાની મરામત કરતુ નથી. ત્યારે ઉમલ્લાના આગેવાનો જીલ્લા કલેકટર સમક્ષ પ્રશ્ન રજુ કરનાર હોવાનું જણાવી રહ્યા છે.