વહેલી પરોઢે ધોધમાર વરસાદથી વાતાવરણમાં શીતલહેર…
અંક્લેશ્વરા પંથકમાં બે દિવસનાં વિરામ બાદ બુધવારની વહેલી પરોઢે ધોધમાર વરસાદે રિ-એન્ટ્રી કરતાં લોકોએ રાહત અનુભવી છે.
અંક્લેશ્વરમાં ત્રણ- ચાર દિવસથી વરસાદ ગાયબ હતો જો કે સોમવાર અને મંગળવારે ઘેરાયેલાં આકાશ અને અદ્ર્શ્ય સૂર્યનાં કારણે ગમે ત્યારે ધોધમાર વરસાદ તુટી પડશે એમ લાગતું હતુ પરંતુ સૌની આશા કગારી નિવડી હતી. ૪૮-૪૮ કલાક સુધી વાદળછાયાં વાતાવરણનાં લીધે મૂશળધાર વરસાદની ચાતકની જેમ રાહ જોતાં નગરજનોને જાણે મેઘરાજા હાથતાળી આપી છટકી ગયાં હોય એમ લાગતું હતું. સુર્ય અદ્ર્શ્ય હોવા છતાં અને મેઘવાદળો ઘેરાયાં હોવા છતાં વાતાવરણમાં બફારો કાયમ રહ્યો હતો. જો કે નગારજનોને ઊંઘતાં મૂકીને જ મેઘરાજાએ બુધવારે વહેલી પરોઢે લગભગ ત્રણેક વાગ્યાનાં સુમારે જ રિ-એન્ટ્રી કરી હતી. ધોધમાર વરસાદનાં લીધે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતાં જો કે દર વખતે વરસાદનાં આગમન સાથે જ વીજપુરવઠો ખોરવાઈ જાય છે કે ખોરવી નાખવામાં આવે છે એમ બન્યું ન હતું જેથી પણ લોકોએ રાહત અનુભવી હતી. બુધવારની સવાથી ખુશનુમા, વાદળછાયાં વરસાદી માહોલે નગરમાં તાપમાન ૨૬ ડીગ્રી સુધીનું રાખતાં શીતળતાનો અનુભવ થયો હતો અને નગરજનો તેમજ ખેડુતોએ રાહત તથા આનંદની લાગણી અનુભવી હતી.