અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની હાજીપીરની જમીનના થયેલા વેચાણ અંગે અંકલેશ્વર સિવિલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
કાપોદરા ગામે સર્વે નંબર-49,130 અને 137માં હાજીપીર ની જમીન આવેલી છે. આ જમીનના મુખ્ય વહીવટકર્તા ગુલામ શાહના કેટલાક વારસદારોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે વાંધા અરજી આપી છે જેનો ચુકાદો હજી આવ્યો નથી. બીજી તરફ આ જમીન અંગે અંકલેશ્વરના બીજા સિવિલ જજની કોર્ટમાં તારીખ 1 સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ રે.ડી.મુ.163/2017થી વાદી તરીકે અહેમદ સઈદ ગુલામ મહંમદ લુલાતના કુલમુખત્યાર ઝુબેર લુલાતે પિટિશન ફાઇલ કરી હતી અને પ્રતિવાદી તરીકે 14 જેટલા ઈસમો સામે કેસ ચાલ્યો હતો જેમાં તારીખ ૨૪મી જાન્યુઆરીએ બીજા સિવિલ જજ બીજેન્દ્ર ચંદ્ર તિવારીએ ચુકાદો આપીને આ દાવા અરજી રદ કરી છે સાથે જ કોર્ટ ને ગેરમાર્ગે દોરવા બદલ રૂપિયા ૫૦ હજારનો દંડ કરાયો છે અને દરેક પ્રતિવાદીને રૂપિયા 25 હજારનો દંડ ફટકારાયો છે કોર્ટ તરફથી ભરૂચ જિલ્લા કલેકટર ને હુકમ કરાયો છે કે મામલતદાર અંકલેશ્વર અને નાયબ કલેકટર અંકલેશ્વર આ જમીનમાં જે નવી ફેરફાર નોંધ પાડી છે તે રદ કરી જમીન મૂળ હાજીપીર દેવસ્થાનના નામે એન્ટ્રી કરવામાં આવે અને દાવાવાળી મિલકત બાબતે કરાયેલ એન્ટ્રીઓની ઇન્કવાયરી કરી તેમાં તમામ કસૂરવારો સામે ઉચિત કાર્યવાહી કરી 30 દિવસમાં કોર્ટમાં જાણ કરવા પણ જણાવાયું છે.આ ઉપરાંત વાદી-પ્રતિવાદીઓ દંડની રકમ કોર્ટમાં જમા ન કરાવે તો બે મહિનામાં રેવન્યુ સામે વસૂલ કરી કોર્ટમાં જમા કરાવવા આદેશ કરાયો છે.
કોર્ટમાં આ ચૂકાદાના પગલે કાપોદરા ગામે હાજીપીરનીની ખેતીની જમીનોનું બારોબાર વેચાણ કરનારા તેમજ જમીનોના દસ્તાવેજ કરનારા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ ચૂકાદાના પગલે હાજીપીરની જમીન ખેતીની હોવા છતાં બિનખેતીમાં ફેરફાર થયેલ નથી અને એથી એના પર થયેલા બાંધકામો ગેરકાયદેસર અને સરકારી વિભાગની પરવાનગી વિના કરાયા હોવાનું માની શકાય. આ અંગે આગામી દિવસોમાં વાદી-પ્રતિવાદીઓ શું પગલાં લે છે અને જિલ્લા વહીવટી તંત્ર શું પગલા લે છે એ જોવા રહ્યું.