કતપોરા ગામની શાળામાં મહિલાને પ્રાધાન્ય હોવા છતાં નિમણુંક ન આપી ..
રાજકીય દબાણ હેઠળ નિયમો ભંગ કરાતાં કલેક્ટર કચેરીમાં રજુઆત…
હાંસોટનાં મામલતદાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકની નિમણુંકમાં કતપોર શાળા ખાતે નીતિનિયમનો ભંગ કરાયો હોવાની ફરિયાદ થતાં વિવાદ જન્મ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાંસોટ મામલતદાર કચેરી દ્વારા તા.૩૧/૫/૨૦૧૮ નાં રોજ તાલુકાનાં કતપોર,પારડી,પાંડવાઈ,વમલેશ્વર,સાહોલ અને અણીયાદરા ગામની પ્રાથમિક શાળાઓમા મધ્યાહન ભોજન યોજના માટે સંચાલક તથા મદદનીશોની ભરતી કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ કતપોર ગામની પ્રાથમિક કન્યાશાળા ની સંચાલકની ખાલી જગ્યા માટે કતપોરનાં રહીશ પારૂલબેન સુરેશભાઈ પટેલે અરજી કરી હતી. મામલતદારનાં જાહેરનામામાં કલમ નં-૭ મા જણાવ્યા મુજબ સ્ત્રી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો અને કતપોર પ્રાથમિક શાળાનાં સંચાલક તરીકે પારૂલબેન ઉપરાંત અન્ય એક યુવકે જ ઉમેદવારી કરી હતી. મામલતદારનાં જાહેરનામા ઉપરાંત સરકાર દ્વારા પણ પહિલા ઉમેદવારની નિમણુંક કરવા માટેનો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં હાંસોટ મામલતદારે અગ્મ્ય કારણોસર પારૂલબેન પટેલને નિમણુંક આપી ન હતી અને અન્ય પુરૂષ ઉમેદવારને નિમણુંક આપી હતી. આથી આ અન્યાય સામે પારૂલબેન પટેલ મધ્યાહન ભોજન યોજનાનાં નાયબ કલેક્ટર,કલેક્ટર કચેરી ભરૂચ ખાતે લેખિતમાં તા.૨૦મી જુન-૨૦૧૮ નાં રોજ ફરિયાદ કરી છે. સાથે જ અંક્લેશ્વરનાં નાયબ કલેક્ટરને પણ આ અન્યાય અંગે રજુઆત કરતાં હાંસોટ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગે પારૂલબેને જણાવ્યું હતું કે રાજકીય દબાણ હેઠળ મારી નિમણુંક યોગ્ય હોવા છતાં કરાઈ નથી અને પુરૂષને પસંદ કરાયાં છે જે અન્યાયકર્તા હોવાથી ઉચ્ચકક્ષાએ રજુઆત કરવી પડી છે.
કતપોરની પ્રાથમિક શાળાએ કન્યાશાળા છે અને ખુદ હાંસોટ મામલતદારે પોતે પ્રસિધ્ધ કરેલા જાહેરનામાની કલમ-૭ નો ભંગ કર્યોં છે એ મુદ્દો સાચેજ વિચાર માંગી લે એવો છે. હાલ આ વિવાદની વચ્ચે પારૂલબેન પટેલને ન્યાય મળે છે કે એમાં પણ તેમનાં આક્ષેપ મુજબ રાજકીય દબાણ અવરોધ ઊભો કરે છે એ જોવું રહ્યું.!!!