સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે ખાતમુહર્ત કરાયું હતું….
નોટિફાઈડ નિર્ણયથી લોકોમાં આશ્રય…
અંક્લેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા મોટા ઉપાડે પ્રતીન ચોકડી વિસ્તારમાં સર્કલ બનાવવાની જાહેરાત અને ખાતમુહર્ત કરાયા બાદ અચાનક જ એને પડતું મુકવામાં આવતાં તર્ક વિતર્ક સર્જાયા છે.
અંક્લેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા જુના નેશનલ હાઈવે નં-૮ પર સૌથી વ્યસ્ત ગાણાતા પ્રતીન ચોકડી વિસ્તારમાં રૂ. ૨૫ લાખનાં ખર્ચે નવું વિશાળ સર્કલ બનાવવાની જાહેરાત કરાઈ હતી આ સર્કલ માટે વળી સહકારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહર્ત વિધિ પણ નોટિફાઈડ એરિયા દ્વારા કરવામાં આવી હતી. મોટા ઉપાડે આ જાહેરાત અને ખાતમુહર્ત વિધિ કરાયાં બાદ જો કે અગમ્ય કારણોસર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સર્કલ બનાવવાનું કામ જ માંડી વાળવામાં આવ્યું છે. જે આશ્ચર્યજનક બાબત છે. લોકોમાં આ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.
પ્રતીન ચોકડી સૌથી વ્યસ્ત વિસ્તાર હોવા છતાં એના વિકાસને ગ્રહણ લાગ્યું હોય એમ ચર્ચાઈ રહ્યું છે. એક તરફ ચાર-ચાર CCTV કેમેરા નીકળી ગયાં અને હવે બ્યુટીફિકેશન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે બનાવવામાં આવનાર સર્કલનું કામ જ માંડી વાળવામાં આવ્યું એ આશ્રયની વાત છે અનેક ઓફિસ, દુકાનો, શો રૂમ અને બેન્કોની શાખાઓ ધરાવતાં આ વિસ્તારમાં અરાજકતા અને ટ્રાફિક સમસ્યા વધતી જાય છે એવાં સંજોગોમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો આ નિર્ણય અનેક લોકોને અયોગ્ય જણાઈ રહ્યોં છે.
આ અંગે નોટિફાઈડ એરિયા કચેરીનાં અધિકારિઓને સંપર્ક કરતાં તેમણે ગલ્લાં તલ્લાં કર્યાં હતાં.જો કે એક બાબત લોકોમાં ચર્ચાઈ રહી છે કે સહકાર મંત્રીના હસ્તે ખાતમુહર્ત કરાયા બાદ પ્રતીન સર્કલનાં પ્રોજેક્ટ નું બાળમરણ થાય એ યોગ્ય નથી જ ત્યારે હવે નોટિફાઈડ એરિયા આ દિશામાં ફેરવિચારણા કરે છે કે નહિ એ જોવું રહ્યું.