અંકલેશ્વરમાં ‘જશ્ને ઈદે મિલાદુન્નબી’ નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનેરા ઉત્સાહ-અદબ અને અકિદત અને ઉમંગ સાથે પસાર થયું હતું. જેમાં હજારો મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતાં. એ પૂર્વે સવારે તમામ મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરાઈ હતી.
‘નારા-એ-તકબીર’, ‘નારા-એ-રિસાલત’ના ઈમાન અફરોઝના નારાઓથી શરૃ થયેલી આ ઝુલુસનું રસ્તામાં ઠેર-ઠેર આઈસ્ક્રીમ, કુલ્ફી, બિરયાની, રસગુલ્લા, ફાલુદા, છાસ-લસ્સી તેમજ પાણીના પાઉંચ વગેરે ન્યાઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લીમ અગ્રણી સિકંદર ફડવાલા, મુખ્ત્યાર શેખ, મુશ્તાક શેખ, આસિફ કુરેશી, ઝાહિદ ફડવાલા, વસિમ ફડવાલા વગેરેએ ન્યાઝનું વિશેષ આયોજન કર્યું હતું.
જશ્ને ઈદે મિલાદુન્નબીના મોકા પર પ્યારા નબી પ્રત્યે પોતાની ખિરાજે અકિદત પેશ કરવા હજારો મુસ્લિમ આગેવાનો, કમિટીના કાર્યકર્તાઓ જોડાયા હતાં.
ઈસ્લામનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ અને સૌથી વધુ ખુશીનો દિવસ ‘ઈદ મિલાદુન્નબી’નું શાનદાર ઝુલુસ કસ્બાતીવાડ ચોર્યાસી મસ્જિદથી શરૂ થઈ કાગદીવાડ, ગોયાબજાર, ભાટવાડ થઈ હલીમશા દાતારબાવાની દરગાહ પરપૂર્ણ થયું હતું. જ્યાં સૌ મુસ્લિમ બિરાદરોએ બાલમુબારકનાં દર્શન કર્યાં હતાં.
ઝુલુસ જે રસ્તાઓ પરથી પસાર થયું ત્યાં ઈદ મિલાદુન્નબીના બેનર લગાવવામાં આવ્યા હતાં. લોકોએ અનેક પ્રકારની ન્યાજો તકસીમ કરી હતી.
ઝુલુસમાં સામેલ તમામ મુસ્લિમ બિરાદરોનો અને વ્યવસ્થા તંત્ર-પોલીસ તંત્ર પ્રત્યે મુસ્લિમ આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.