સોસાયટીના સંચાલકોમાં આશ્ચર્ય : અંતે બન્ને બોર સીલ કર્યા
જવાબદાર કોણ??? : તપાસ જરૂરી
અંકલેશ્વર,
અંકલેશ્વરના ભૂગર્ભજળ દૂષિત થવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વર – રાજપીપલા રોડ પરના ઓએનજીસી કોલોનીના ગેટ નં.૨ સામે આવેલ ચર્ચ પાછળની વિનાયક સોસાયટી અને શ્રીનાથ રો હાઉસના બોરમાંથી પીળા રંગનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે. જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશો પરેશાન થઈ રહ્યા છે. આ સોસાયટીના સંચાલકો પણ આ આ ઘટનાથી આશ્ચર્યમાં મુકાય ગયા છે. અને અંતે બન્ને બોર બંધ કરાવાનો વારો આવ્યો છે. જીપીસીબી અને વહીવટી તંત્રએ પણ આ ઘટનાને ગંભીર ગણી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
એક તરફ ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. ભૂગર્ભજળ વધુ ઊંડા જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર ગંભીર બની, કરોડોનો ખર્ચ કરી જળ સંચયને વધુ પ્રાધાન્ય આપી રહે છે. તેમ છતાં પણ કેટલાક ઉદ્યોગો બેફામ બની ગેરકાયદે સોલીડ વેસ્ટ અને એફ્લુઅન્ટનો નિકાલ કરી પર્યાવરણ સાથે સાથે ભૂગર્ભ જળ પ્રદૂષિત કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકામાં ભૂગર્ભજળ દૂષિત થયાના અનેકો કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ જીપીસીબી દ્વારા જવાબદારો સામે કોઈપણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તે અંકલેશ્વરની ધરતી અને પ્રજા માટે એલાર્મ સમાન ગંભીર બાબત ગણાય. અગાઉ અંકલેશ્વરના સંસ્કારદીપ કોમ્પ્લેક્ષ , શુભમ રેસીડન્સી, ન્યાયાધીશ નિવાસ, જલારામ વુડ અને નગરપાલિકાની હદમાં આવતાં ઉમા ભવનની પાછળ , તીર્થ નગર, નવા બની રહેલ સીગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્ષના બોરોમાંથી પ્રદૂષિત પાણી નીકળવાની ઘટના બની છે. જયારે અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના રામનગર વિસ્તારમાંના બોરો માંથી પણ પ્રદૂષિત પાણી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જાગૃત નાગરીક દ્વારા બાકરોલની ઘટના અંગે માનવાધિકાર પંચમાં ફરીયાદ કરતા જીપીસીબીએ એક પુજારીને જવાબદાર ગણી તેની વિરુધ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ઉડીને આંખે વળગે તેવી બાબત એછેકે અંકલેશ્વરના સંસ્કારદીપ કોમ્પ્લેક્ષ , શુભમ રેસીડન્સી, ન્યાયાધીશ નિવાસ, જલારામ વુડ અને નગરપાલિકાની હદમાં આવતાં ઉમા ભવનની પાછળ , તીર્થ નગર, નવા બની રહેલ સીગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્ષના બોરોમાંથી નીકળતા પ્રદૂષિત પાણી માટે જવાબદાર કંપની સામે જીપીસીબીએ પત્રવ્યવહાર સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
ખેર, ભૂગર્ભજળ દૂષિત થવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અંકલેશ્વર – રાજપીપલા રોડ પરની ઓએનજીસી કોલોનીના ગેટ નં. ર ની સામે આવેલ ચર્ચની પાછળની વિનાયક સોસાયટી અને શ્રીનાથ રોહાઉસ ના બોરમાંથી પીળા રંગનું દૂષિત પાણી નીકળી રહ્યું હતું. જેને કારણે રહીશો પરેશાન થઈ રહ્યા હતા. આ સોસાયટીના સંચાલકો પણ આ ઘટનાથી અવાક બની ગયા હતા. જે બન્ને બોરોને સંચાલકોએ હાલ બંધ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ, અંકલેશ્વરના ભૂગર્ભજળ ઓક્સીજન પર હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતાં અંકલેશ્વરના ભૂગર્ભજળ માટે ઘણી ગંભીર બાબત કહેવાય. જીપીસીબી અને વહીવટી તંત્ર એ આ અંગે ઘનિષ્ટ તપાસ કરાવવી જરૂરી બને છે અને જવાબદારો સામે વહેલી તકે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વરના ભૂગર્ભજળ ઓક્સીજન પર !! રાજપીપલા રોડ પર આવેલ વિનાયક સોસાયટીના બોરમાંથી નીકળી રહ્યું છે પીળા રંગનું દૂષિત પાણી : સ્થાનિકો પરેશાન
Advertisement