માદરે વતન ગયેલાં ઉધ્યોગપતિઓ અને કામદારોનાં લીધે ઉધ્યોગો સુમસામ…
૨૪ કલાક અને ૩૬૫ દિવસ ધમધમતી અંકલેશ્વર ઔધ્યોગિક વસાહતમાં પાંચમ પછી પણ હજુ વેકેશનનો જ મહૌલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર ઔધ્યોગિક વસાહતમાં ૧૨૦૦ થી વધુ એકમો પૈકી મોટાભાગનાં ઉધ્યોગપતિઓ ઉત્તરગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં છે. દિવાળી પૂર્વ જ તેઓ પરિવાનજનો સાથે આ મહાપર્વની ઉજવણી કરવા માટે માદરેવતન રવાના થઈ જાય છે. આખું વર્ષ ઉધ્યોગો ધમધમાટ વચ્ચે વીતાવતાં ઉધ્યોગ સંચાલકો દિવાળી વખતે અચુક વતન ભણી જ દોટ મૂકે છે. તો બીજી તરફ વસાહતમાં કામ કરતાં હજારો કામદારો પૈકી પણ મોટાભાગનાં કામદારો અન્ય રાજ્ય કે શહેર-ગ્રામ્ય વિસ્તારનાં હોવાથી તેઓ પણ રવાના થાય છે વળી ઉત્તરભારતીય સમાજનાં કામદારો માટે છઠ પૂજાનું અનન્ય મહત્વ હોવાથી તેઓ પણ દિવાળી વખતે ઉત્તરપ્રદેશ- બિહાર સ્થિત પોતપોતાનાં વતનમાં જવા માટે નીકળી જાય છે. આ પરિસ્થિતિને લઈને ઉધ્યોગો હાલ સુનસાન બની ગયાં છે. લાભપાંચમ બાદ છઠનાં દિવસે પણ ઉધ્યોગો શરૂ થયાં ન હતાં વળી શાળાઓમાં હજુ વેકેશન ચાલી રહ્યું હોવાથી પણ બહાર ફરવા ગયેલાં ઉધ્યોગપતિઓ કે મધ્યમવર્ગીય પરિવારો હજુ પરત આવ્યાં નથી. યંત્રો-મશીનોથી સદાયે ધમધમતી અંકલેશ્વર વસાહતનાં ઉધ્યોગોમાં હજુ આ સપ્તાહ પૂરતો રજા-મજાનો માહૌલ રહેશે એમ હાલ લાગી રહ્યું છે !!!