કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ પાર્ટી સંગઠનમાં સતત મોટાં ફેરફારો થઈ રહ્યાં છે. ત્યારે આ કડીમાં મંગળવારે અનેક મોટાં નેતાઓને પાર્ટીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી. સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહેલાં અહેમદ પટેલને કોષાધ્યક્ષનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે આનંદ શર્માને કોંગ્રેસ વિદેશ પ્રકોષ્ઠના પ્રમુખની જવાબદારી અપાઈ છે. આ ઉપરાંત લુઝીનો ફલેરો અને મીરા કુમારને પણ અલગ અલગ કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ઼
અહેમદ પટેલ બન્યાં કોષાધ્યક્ષ
– કોંગ્રેસમાં મંગળવારનાં રોજ કેટલાંક માળખાગત ફેરફારો કરવામાં આવ્યાં. જે અંતર્ગત અનેક મોટાં નેતાઓને કેટલીક મહત્વની જવાબદારી સોંપવામાં આવી.
– સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જન્મદિવસની ભેટ આપતાં રાહુલ ગાંધીએ તેમને પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યાં છે.
– આ જવાબદારીને લાંબા સમયથી પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા સંભાળતા હતા.
વરિષ્ઠ નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારીઓ
– કોંગ્રેસ અધ્યક્ષે આનંદ શર્માને કોંગ્રેસ વિદેશ પ્રકોષ્ઠના પ્રમુખની જવાબદારી સોંપી છે. આનંદ શર્મા રાજ્યસભાના મેમ્બર અને પાર્ટીના વરિષ્ઠ નેતા છે.
– મનમોહન સરકારમાં વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પણ રહી ચુક્યાં છે. તેઓ રાજ્યસભામાં વિદેશ અને આર્થિક મામલે સતત મોદી સરકારને નિશાન બનાવે છે.
– આ ઉપરાંત લુઝીનો ફલેરોને મહાસચિવ ઈન્ચાર્જ નોર્થ ઇસ્ટ સ્ટેટ્સ બનાવવામાં આવ્યાં છે. તો મીરા કુમારને કોંગ્રેસ કાર્યસમિતિના સ્થાયી સભ્ય બનાવવામાં આવ્યાં છે.
– સોનિયા ગાંધીના હાથમાં જ્યારે કોંગ્રેસની કમાન હતી ત્યારે પાર્ટીમાં અહેમદ પટેલની બોલબાલા હતી. પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યાં બાદ તેઓ સાઈડ લાઈન થઈ ગયા હતા.
– જો કે કોંગ્રેસની નવી કાર્યસમિતિમાં તેઓને રાહુલે સભ્ય બનાવ્યાં હતા. જે બાદ હવે તેઓને પાર્ટીના કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
– કોંગ્રેસના હાથમાંથી સત્તા ગયાં બાદ પાર્ટીના ફંડ સતત ઘટાડો આવ્યો છે. એવામાં અહેમદ પટેલની સામે સત્તાની બહાર રહેતાં પણ પાર્ટીના ખજાનામાં વધારો કરવાની મોટી જવાબદારી છે.
– આ પહેલાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનન માટે ફંડ એકઠાં કરવાની જવાબદારી અહેમદ પટેલને સોંપાઈ હતી જે તેઓએ ખૂબ સારી રીતે નિભાવી હતી.