માં શારદાભુવનની તકલાદી સિલિંગ મુદ્દે વિપક્ષ જવાબ માંગશે.
અંક્લેશ્વર નગરપાલિકાની મંગળવારનાં રોજ મળનારી બોર્ડ મીટીંગમાં વિપક્ષી સભ્યો માં શારદાભુવન મુદ્દે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરે એમ ચર્ચાઈ રહ્યું છે.
અંક્લેશ્વર નગરપાલિકાની કવાટર્લી જનરલ બોર્ડ મીટીંગ મંગળવારે યોજનાર છે. આ બોર્ડ મીટીંગમાં કુલ ૩૪ કામો એજન્ડા પર લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ગણેશ વિસર્જન માટે રામકુંડમાં પાઇપ નાખવા, સ્વાતંત્ર દિનની ઉજવણીનો ખર્ચ મંજુર કરવો સહિત વિવિધ ગ્રાંટની રકમ ફાળવવાનાં કામો પણ છે વિપક્ષ તરફથી પણ ૮ જેટલાં કામોની દરખાસ્ત કરાઈ છે. જો કે એમાં મુખ્યત્વે માં શારદાભુવન ટાઉનહોલનાં મુદ્દે સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે તડાફડી થાય એવી શક્યતા છે. હાલમાં પ્રથમ વરસાદમાં જ માં શારદાભુવન ટાઉનહોલની છત લીક થતાં વુડન સ્ટેજને પણ નુકશાન પહોંચ્યું છે. આ મુદ્દે વિપક્ષી સભ્યોએ આક્રમક વલણ અપનાવી કલેક્ટર સુધી રજુઆત કરી છે. ત્યારે બોર્ડમાં પણ આ મુદ્દે વિપક્ષ સત્તાપક્ષને ઘેરવાનો પ્રયત્ન કરશે એ નિસ્ચિત છે.