દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વરની ONGC કોલોનીમા નડતરરૂપ હોવાનું કારણ આગળ ધરી વૃક્ષોને કાપી નાખવાની ઘટના સામે આવી છે.જેમાં ૧૫ થી વધારે બિન-નડતર વૃક્ષો કાપી નાખ્યા હોવાની ફરિયાદ મામલતદાર તથા વનવિભાગની કચેરી ખાતે કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગની અસર ને લઈને ઋતુચક્રમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. પર્યાવરણની સુરક્ષા માટે સરકાર એક તરફ ભાર મૂકી રહી છે ત્યારે સરકારી સાહસ ગણાતી ઓ.એન.જી.સી કંપનીની કોલોની ખાતે વધુ ઉગી ગયેલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે.આ કોલોનીના મકાનની સામે તથા ONGCના વર્કશોપની આજુબાજુના ૧૫ થી વધારે વૃક્ષો કાપી નાખવાની ઘટના સામે આવી છે. ONGC ના અધિકારી ઉમેશભાઈ સાથે ટેલીફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મિલકતોને નુકસાન કરતા તથા નડતરરૂપ વૃક્ષો જ કાપવામાં આવ્યા છે. આખા વૃક્ષ કાપવામાં આવ્યા નથી પરંતુ ONGC કોલોની તથા ONGC ની અંદર ના દ્રશ્યો કઈ બીજું જ કહી રહ્યા છે. નીલગીરી, લીમડા, સહિતના વૃક્ષો જળ મૂળિયામાંથી જ કાપી નાખવામાં આવ્યા છે. જાગૃત યુવાનો દ્વારા ફરિયાદ કરાતા વન વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓએ તપાસનો દોર શરૂ કર્યો છે.