દિનેશભાઇ અડવાણી
બનાવની વિગત જોતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારના સુરવાડી, નવાદીવા, જુનાદીવા, નવીદીવી પુનગામ, બોરીદ્રા,જૂના બોરભાઠા બેટ,આંબોલી,પાનોલી,આલુંજ, ભરણ ગામોમાં તથા સુરત ગ્રામ્ય વિસ્તારના હથુરણ, ધામરોડ, તરસાલી, દીણોદ, નંદાવ, કોસંબા વિસ્તારમાં આવેલ સીમ ખેતરોમાં અસંખ્ય પ્રમાણમાં ડી.જી.વી.સી.એલ ના ટ્રાન્સફોર્મર તોડી તેમાનું કોપર ચોરી કરવાના અસંખ્ય બનાવો બનવા પામ્યા હતા અને છેલ્લા દોઢ વર્ષમાં ટ્રાન્સફોર્મર ચોરી કરતી ટોળકીએ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.ટ્રાન્સફોર્મર ચોરીના પરિણામે સરકારના ડી.જી.વી.સી.એલ ડિપાર્ટમેન્ટ તથા ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવું પડ્યું હતું.જેથી ટ્રાન્સફોર્મર ચોરીઓને કોઇપણ ભોગે રોકવા માટે ખેડૂતો તથા ગ્રામજનો તરફથી કલેકટર કચેરી,પોલીસ અધિક્ષક સહિત વિવિધ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હતી.આ દરમિયાન ગત માર્ચ મહિનામાં એક ધાડનો ગુનો અંકલેશ્વર સૂરવાળી ગામની સીમમાં ખેતરમાં ઘર બાંધીને રહેતા મહેન્દ્રસિંહ ડાભી તથા તેમના પરિવાર પર અજાણ્યા આરોપીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મોબાઈલની લૂંટ કરી તેમના ઘર નજીકના ટ્રાન્સફોર્મર તોડી તેમાનું કોપર કાઢી લઈ ગયા હતા. જે બાબતે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ બનાવ સંદર્ભે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી. જે મુજબ થોડા દિવસો પેહલા ટેકનિકલ સર્વેલન્સ અને હુમન ઈન્ટેલીજન્સ દ્વારા મધ્ય પ્રદેશ ઝાબુંઆ ખાતેથી ટ્રાન્સફોર્મર ચોરતી ગેંગના ચાર સભ્યોને લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમાં આજરોજ આ બનાવના બીજા વધુ ત્રણ જેટલા આરોપીઓને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ (1). દિલીપ ગિરધારીલાલ ચૌહાણ,રહે ઇન્દોર મધ્યપ્રદેશ,(2).ઇમરાનખાન સંકુરખાન રહે,જાંબુવા મધ્યપ્રદેશ,(3). દાનાભાઈ જીવણભાઈ ચોસલા રહે અમદાવાદ.આ ત્રણેય આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.