કેડસમાણાં પાણીમાં નદી ઓળંગી ૩૫ વિધ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે..
૫ થી ૧૩ વર્ષની વયનાં બાળકો માટે સરકારી તંત્રને પરવા નથી !!!
સાંપ્રત સમયમાં સરકાર શિક્ષણનો વ્યાય વધે અને છેવાડાનાં બાળકો પણ શિક્ષણ મેળવે એ માટે મોટાં પાયે કાર્યક્ર્મો કરે છે પરંતુ છેવાડાના બાળકોની પરિસ્થિતિથી તદ્દન બેખબર અને બેફિકર છે.
અંક્લેશ્વર તાલુકાનાં સંગપુર ગામની આ વાત છે.સેંગપુર ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ગામમાંથી પસાર થતી અમરાવતી નદી ગામને બે ભાગે વહેંચી દે છે ઉનાળામાં તો કોઈ સમસ્યા નથી હોતી પરંતુ ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ અમરાવતી નદી બે કાંઠે થઈ જાય છે. વાલિયા પંથકમાં આમ પણ સામાન્ય રીતે વરસાદનું પ્રમાણ વધુ હોવાથી પાણી અમરાવતી નદીમાં આવે છે સૌથી વધુ તકલીફ નદી ઓળંગીને અભ્યાસ માટે જતાં બાળકોને ભોગવવી પડે છે. જોખમી કેહવાય એ હદે બાળકોએ નદીની સામેપાર અભ્યાસ માટે જવું પડે છે. વાલીઓ માટે આ પરિસ્થિતિ ચીતાંનો વિષય બની રહે છે. ૫ થી ૧૩ વર્ષની વયનાં વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓએ કેડસમાણાં પાણીમાં નદી ઓળંગવી પડે એ કલ્પના જ થથરાવી મુકે છે. ત્યારે વાલીઓની હાલતા તો કલ્પવીજ રહી. કેટલાંય વાલીઓ પોતાનાં બાળકોને ખભે બેસાડી માનવસાંકળ રચીને શાળાએ મોકલે છે. છેલ્લાં ૭-૭ વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો સેંગપુરનાં ગ્રામજનો કરી રહ્યાં છે પરંતુ સરકારે વહીવટતંત્ર આ સ્થિતિથી ખબરદાર હોવાં છતાં નિષ્ક્રિય બની રહ્યાં છે. ભણતર ન બગડે એ માટે ૩૫ બાળકો નદી ઓળંગીને જાય છે. ચોમાસાની આ ઋતુમાં નદી ઓળંગતી વખતે જ જો અચાનક પ્રવાહ વધે અને વહેણ ઝડપી બની જાય તો વાલીઓ તો ઠીક પરંતુ વિધ્યાર્થીઓનાં જીવને પણ જોખમ રહે છે. આ પરિસ્થિતિમાં વાલીઓએ પણ ઊંચા જીવે રહેવું પડે છે. શાળાએ મુકવા અને લેવા જવાનાં સમયે દરેક વાલી પોતાનાં તમામ કામધંધા પડતાં મુકીને વહાલસોયાં સંતાનોને તકલીફ ન પડે એ માટે દોડી જાય છે. ઘણીવાર જો કોઈ વાલી ન જઈ શકે તો બાળકે ત્યાં જ રહી જવું પડે છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ વહીવટતંત્રની આંખ ઊઘડતી નથી.
આ અંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ૩૫ વિધ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ આવે છે પરંતુ માથે જીવનું જોખમ ખેડીને આવે છે. વાલીઓ બાળકોને લેવા નિયમિત આવે છે પણ કોઈ કારણસર ન આવી શકે તો વિધ્યાર્થીએ આ તરફ જ રહેવું પડે છે.
સેંગપુરનાં સરપંચ વિજયસિંહ સોલંકીએ આ કપરી પરિસ્થિતિ અંગે ૭ વર્ષથી રજુઆતો કરી છે વિજયસિંહે જણાવ્યું હતું કે ૩૫ બાળકો આટલું જોખમ ખેડીને અભ્યાસ ન બગડે એ માટે જાય છે. આ અંગે અધિકારિઓને ૭ વર્ષથી રજુઆતો કરી છે અને લડું છું પરંતુ એમનાં પેટનું પાણી પણ હલતું નથી અને ઉડાઉ જવાબો આપે છે.
નદી ઓળંગીને અભ્યાસ માટે જતાં બાળકો માટે નસીબ જ મહત્વનો ભાગ ભજવે છે. નસીબ અને ભગવાનનાં ભરોસે જ બાળકોને જાણે સરકારે છોડી દીધા છે. આ પરિસ્થિતિ અંગે સ્થાનિક ધારાસ્ભ્યો દુષ્યંત પટેલ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલનો સંપર્ક સાધતાં તેઓનાં ફોનનો રિપ્લાય થયાં હતાં.
સેંગપુરનાં વિધ્યાર્થીઓની આ જોખમી સાહસ ખેડીને પણ શિક્ષણ મેળવવાની જંખનાને જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ બિરદાવી હતી. સાથે જ તેમણે સરકાર અને વહીવટીતંત્રને ઝાટક્યું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર ગુણોત્સવ, શાળાપ્રવેશોત્સવ જેવાં કાર્યક્રમો કરી દેખાડો કરે છે. પરંતુ શિક્ષણ મેળવવાં ઈચ્છતાં બાળકોની સમસ્યાને સમજી એનું નિરાકરણ લાવતી નથી સેંગપુરનાં ૩૫ વિધ્યાર્થીઓ માટે વર્ષોથી રજુઆત છતાં અધિકારિઓ નિષ્ક્રિય છે. એ જ દર્શાવે છે કે ગરીબોનાં બેલીની આ સરકાર નથી.