દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર તા : ૨૭/૦૬/૨૦૧૯
એક તરફ સમગ્ર ગુજરાતમાં ફાયર અને સેફટી મુદ્દે સરકારથી લઈ ખાનગી ક્ષેત્રો પણ સજાગ બની રહ્યા છે. ત્યારે અંકલેશ્વર માં પાઇપ લાઈન વડે ઘરે-ઘરે ગેસ પહોંચાડતી ગુજરાત ગેસ દ્વારા ફરી સેફટી મુદ્દે ઉદાસીન જોવા મળી હતી.સમગ્ર અંકલેશ્વર વિસ્તારમાં ઘેર ઘેર પાઇપ લાઈન દ્વારા ગેસ નો પુરવઠો ગુજરાત ગેસ દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાત ગેસ અંકલેશ્વર માં છેલ્લા અંદાજિત ૪૦ વર્ષ થી પુરવઠો પૂરો પાડી રહી છે. સ્વાભાવિક છે કે ગેસ નું વહન કરતી ભૂગર્ભ પાઇપ લાઈન બદલવાની જરૂરિયાત ઉભી થાય. જે માટે તબક્કાવાર પાઇપ લાઈન બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા માટે કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે અને આ કોન્ટ્રાકટરો દ્વારા ફાયર અને સેફટી પ્રત્યે ઉદાસીનતા જોવા મળી હતી. ખોદકામ ની જગ્યા પર કોઈપણ પ્રકારના સેફટીના સાધનો જોવા મળ્યા ન હતા. આ પાઇપ લાઈન બદલવાની પ્રક્રિયા દરમ્યાન જો ભંગાણ સર્જાય તો રહેણાંક વિસ્તાર હોય મોટી જાનહાની થવાની સંભાવના રહેલી છે. જે જોતા થયેલ અકસ્માત માં ગેસ ગળતર ને પહોંચી વળવા હાથવગું ફાયર અક્સ્ટિંગ્યુશર હોવું જરૂરી છે.આજરોજ સવારે સમારકામ વાળી જગ્યાએ ફાયર અક્સ્ટિંગ્યુશરની ઉણપ જોવા મળી હતી. જયારે એક કર્મચારી કામ કરી રહ્યો હતો તેની પાસે સલામતી ના સાધનો ના નામે ફક્ત રીફ્લેક્ટર જેકેટ હતી. સેફટી હેલ્મેટ, માસ્ક સહીત ના સેફટી ના સાધનો નો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાત સેફટી કાઉન્સિલ દ્વારા જોખમી કામ કરતી વખતે કામદાર ને સલામતી ના સાધનો આપવા અનિવાર્ય હોવા છતાં કર્મચારી તેના અને તેના પરિવાર નો પેટ નો ખાડો પુરવા માટે પોતાના જીવ ની પરવા કર્યા વગર ફક્ત રીફ્લેક્ટર જેકેટ સાથે કામ કરતો જોવા મળ્યો હતો.તગડો નફો કરતા ગુજરાત ગેસ ના કોન્ટ્રાકટરો દ્વારા કર્મચારીઓ ની સલામતી તરફ ની ઉપેક્ષા બાબતે ગુજરાત ગેસ ની કોઈ જવાબદારી નથી? જયારે કોઈ દુર્ઘટના બનશે ત્યારે તેના જવાબદાર કોણ? આ પ્રશ્નો નો જવાબ કોણ આપશે ?