તાવ, ઝાડા, ઉલ્ટી નાં દર્દીઓમાં નોંધપાત્ર વધારો…
બહારની ચીજવસ્તુઓ અને ગંદકીની અસર…
અંક્લેશ્વરમાં અવિરત વરસાદનાં પગલે ધીમેધીમે રોગચાળાનો પણ ફેલાવો થઈ રહ્યો છે. ખાનગી દવાખાનાઓમાં દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
છેલ્લાં ૯ દિવસથી અંક્લેશ્વર પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે કેટલાંય નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને પારાવાર ગંદકી પણ થઈ ચુકી છે. આવી પરિસ્થિતિ એ વિવિધ રોગોને ખુલ્લું આમંત્રણ જ છે ત્યારે અંક્લેશ્વરનાં દવાખાનોમાં વિવિધ રોગનાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી ભરાયાં છે ત્યાં પાણીમાં સતત રહેતાં લોકોનાં પગે ફુગ જામી જાય છે આ ઉપરાંત ગંદુ પાણી પીવાનાં શુધ્ધ પાણી સાથે અજાણતાં ભળી જતાં ઝાડાઉલ્ટીનાં વાવર પણ ફેલાઈ રહ્યો છે હાલ મેલેરિયા,ડેન્ગ્યુ,ચિકનગુનિયા કે કોલેરાનો એટલો વાવર નથી પણ સાવચેતી ન રખાય તો આ રોગો પણ વકરી શકે છે.
એક ખાનગી ફિઝિશીયને નામ આપવાની શરતે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં ખાસ કરીને પાણી ઉકાળીને પીવું હીતાવહ છે જેથી પાણીમાં રહેલી અશુધ્ધીઓને લીધે ફેલાતાં રોગો પર અંકુશ મેળવી શકાય છે. આ ઉપરાંત બહારની ચીજવસ્તુ ખાવા પર તો પ્રતિબંધ રાખવો જરૂરી છે.
અંક્લેશ્વરમાં વરસાદી માહૌલ થોડો ધીમો પડતાં જ પાલિકાતંત્ર દ્વારા સાફસફાઈ અને દવાનાં છંટકાવની કામગીરી તો હાથ ધરાય પરંતુ સાથેસાથે સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આરોગ્યની જાણવણી માટે સુચના અને માર્ગદર્શન અપાય એ પણ એટલું જ આવશ્યક છે. સાથેસાથે ખાણીપીણીઓની લારીઓ પર વેચાતી વાનગીઓ અને પાણીની શુધ્ધતાની ચકાસણી પણ યોગ્ય અસરકારક કાર્યવાહી કરે તો રોગોનો ફેલાવો અટકી શકે છે. હાલ તો દર્દીઓ વધી રહ્યાં છે અને જિલ્લા આરોગ્યતંત્ર પણ નિષ્ક્રિય ભાસે છે ત્યારે અંક્લેશ્વર પાલિકાએ જ આ કામગીરીનું બીડું ઉઠાવવું રહ્યું !!!