દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ની નવી શાળાઓ ખોલવા ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી 17 ટ્રસ્ટીઓએ અરજી કરી હતી.જે સામે તમામ 17 નવી શાળાઓએ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક નવી શાળા શરૂ કરવાની દરખાસ્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે આવી હતી. સરકારના ઠરાવોમાં નિયત કરેલ શરતોનું તેમજ જોગવાઈનું પાલન ન થતા ભરૂચ જિલ્લામાં તમામ 17 શાળાઓને નામંજૂરી કરી દેવાય છે.જેમાં અંકલેશ્વર શહેરમાં સાત જેટલી સ્કૂલોને પણ નામંજૂર કરવામાં આવી છે. નવી શાળાઓની દરખાસ્ત નામંજૂર કરતાં શિક્ષણ જગતમાં ભારે સોપો પડી ગયો છે. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા,નેત્રંગ, જંબુસર તાલુકા માંથી ૧૭ નવી શાળાઓ શરૂ કરવાની મંજૂરી ડી.પી.ઈ.ઓ કે.પી.પટેલ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.આમ છતાં પણ આ 17 નામંજૂર નવી શાળાઓ પૈકી કેટલીક શાળાઓએ શિક્ષણકાર્ય શરૂ કરી દેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. નામંજૂર છતાં આ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ફી વસૂલ કરતાં તેમજ શિક્ષણકાર્ય શરૂ કરતાં ડી.પી.ઈ.ઓ દ્વારા તમામ નામંજુર કરેલ 17 શાળાઓના નામ જાહેર કરી વાલીઓને તેમના બાળકોના હિતમાં આ શાળામાંથી તેઓના સંતાનોને ઉઠાવી લેવા સૂચના આપવામાં આવી છે.