વિનોદભાઇ પટેલ
એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઝઘડિયાથી ૧૦ એમ.એલ.ડી.પાણી મંગાવવામાં આવી રહ્યું છે પરંતુ એ પુરતું ન હોવાના કારણે કેટલાક ઉદ્યોગો ટેન્કરો મારફતે પાણી મંગાવતા થયા છે.
એક તરફ નર્મદાનાં નીરની સિંચાઈ માટે અછત જોવા મળી રહી છે ત્યારે તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પર આધારિત અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગો માટે પણ જળ સંકટ તોળાઈ રહ્યું છે.પાણીની તંગીના કારણે ઉદ્યોગોને દિવસમાં માત્ર ૨ કલાક જ પાણી આપવામાં આવે છે જેના કારણે ઉદ્યોગોએ પ્રોડક્શન લોસનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં ઉનાળાના સમયમાં પાણીની પારાયણ સર્જાઈ છે અને પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ તરફ એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પણ જળ સંકટનો સામનો કરી રહ્યા છે.કેમિકલ કલસ્ટર તરીકે જાણીતા અંકલેશ્વર પાનોલીમાં ૧૦૦૦ જેટલા કેમિકલ ઉદ્યોગો આવેલા છે જેની મુખ્ય જરૂરીયાત પાણી છે અને અંકલેશ્વરના ઉદ્યોગો પાણીની જરૂરીયાત માટે તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પર આધારિત છે.
ઉકાઈ જળાશય યોજનામાં પાણી ઓછું હોવાથી જમણા કાંઠા નહેરમાં પાણી છોડવામાં આવતું નથી.છેલ્લા ૬ મહિનામાં માત્ર ૨ વખત જ નહેરમાં પાણી છોડવામાં આવતા ઉદ્યોગના માથે જળ સંકટ તોળાયું છે.પહેલા અંકલેશ્વરના ઉદ્યોગોને ૨૪ કલાક પાણી મળતું હતું પરંતુ જળ સંકટનાં કારણે હવે દિવસમાં માત્ર ૨ કલાક જ પાણી આપવામાં આવે છે જેના કારણે ઉદ્યોગો ૫૦ ટકા સુધી પ્રોડક્શન લોસનો સામનો કરી રહ્યા છે અને આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.
હાલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઝઘડિયાથી ૧૦ એમ.એલ.ડી.પાણી મંગાવવામાં આવી રહ્યું છે પરંતુ એ પુરતું ન હોવાના કારણે કેટલાક ઉદ્યોગો ટેન્કરો મારફતે પાણી મંગાવતા થયા છે જેનું આર્થિક ભારણ પણ ઉદ્યોગો પર પડ્યું છે .પાણીના અભાવે ઉત્પાદન ઓછું કરી દેવાની ફરજ અને બીજી બાજુ ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવાનો પડકાર આ બંને વચ્ચે અંકલેશ્વરના ઉદ્યોગો પીસાઈ રહ્યા છે
અંકલેશ્વર ભલે નર્મદા નદીના કિનારે વસ્યું હોય પરંતુ તેની પાણીની જરૂરીયાત તાપી નદીની ઉકાઈ જળાશય યોજના પૂર્ણ કરે છે. ત્યારે કાયમી બનેલ આ સમસ્યાના નિરાકરણની ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે સરકાર આ સમસ્યાના નિરાકરણ માટે કેવા પગલા ભરે છે.