આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં શીલી ગામની શ્રી સિદ્ધનાથ વિદ્યાલયમાં શાળાનાં આચાર્યનાં વિરોધમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવી પ્લેકાર્ડ પ્રદર્શિત કરી શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને ત્યારબાદ વાલીઓ દ્વારા આણંદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી જયાં સુધી આચાર્યને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં નહી આવે ત્યા સુધી બાળકોને શાળામાં નહી મોકવાની ચિમકી આપી હતી.
શીલી ગામની શ્રી સિદ્ધનાથ વિદ્યાલયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલી રહી છે,શાળાનાં આચાર્ય વિનુભાઈ ઠાકોરની વિરૂદ્ધમાં આજે વાલીઓ દ્વારા શાળામાં હોબાળો કરી આચાર્ય વિનુભાઈ ઠાકોર રાજકીય પક્ષ ભાજપ સાથે સક્રીય રીતે જોડાયેલા હોઈ શાળામાં અનિયમિત આવે છે,તેમજ તેઓનાં પ્રેમપ્રકરણ અને ચારિત્ર્ય પર વાલીઓએ આક્ષેપો કરી શાળાનાં તાળાબંધી કરી હતી, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની બહાર આચાર્ય શાળા છોડી જાવ તેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાલીઓ દ્વારા આચાર્યનાં ચારિત્ર્ય પર આક્ષેપો કરતા કહ્યું હતું કે આચાર્યનાં ચારિત્ર્યને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકો પર નકારાત્મક અસર પડી રહી છે, તેમજ શાળા સમય દરમિયાન તેઓ મોબાઈલ અને સોશિયલ મિડીયામાં સતત વ્યસત રહે છે, તેમજ તેઓએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શાળાનાં વર્ગખંડમાં એક પણ તાસ લીધો નથી.