આણંદના ભાલેજ રોડ રહેતા 22 વર્ષીય ઔવેશ ઉસ્માન વ્હોરા (રહે. રહીમાનગર-3), 23 વર્ષીય આમીર યારીફભાઈ વ્હોરા રહે. નૂતનનગર સોસાયટી, આણંદ, 21 વર્ષીય સુભાન સફીમહોમ્મદ વ્હોરા રહે. રહીમાનગર-3 આણંદ-ભાલેજ રોડ, 17 વર્ષીય મોહમ્મદકૈશ યાસીનભાઈ વ્હોરા રહે. રહીમાનગર-3, ભાલેજ રોડ, 18 વર્ષીય મોહમ્મદકૈફ ઉસ્માન વ્હોરા રહે. રહીમાનગર-3, ભાલેજ રોડ અને 20 વર્ષીય શાહિર સત્તાર વ્હોરા રહે. રહીમાનગર-3, ભાલેજ રોડ, શુક્રવારે બપોરે 4 વાગ્યાની આસપાસ રિક્ષા દ્વારા કનોડા મહીસાગર નદી કાંઠે નાહવા આવવા માટે ગયા હતા.
તે પૈકી કેટલાંક યુવકો બહાર ઊભા હતા. જ્યારે મોહમ્મદકૈશ, મોહમ્મદકૈફ અને ઔવેશ વ્હોરા નદીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, પાણીની વ્હેણ હોય ત્રણેય યુવકો તણાવા લાગ્યા હતા. કાંઠે ઊભેલા યુવકોએ જોતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેના પગલે સ્થાનિકો તેમજ નદીના પટમાં રેતી કાઢતા ઈસમો દોડી આવ્યા હતા.
નાવડી મારફતે બેને બચાવી લેવાયા હતા. જ્યારે ઔવેશ વ્હોરા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ મોડી સાંજ સુધી તેનો કોઈ પતો મળ્યો નહોતો. ડૂબી ગયેલાં બંને યુવકોને બચાવી લીધા હતા. જોકે, તેમણે પાણી પી જતા સારવાર અર્થે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપીને તેમને રવાના કર્યા હતા. સોશ્યલ મીડિયા પર મોડી સાંજે ચારથી પાંચ ઓડિયો મેસેજ વાઈરલ થયા હતા.
જેમાં ચાર યુવકો ડૂબ્યા હોવાનો અને તેમને બચાવવા તરવૈયાઓની જરૂરીયાત હોય જલ્દીથી લાલપુરા-સાવલી મહીસાગર નદી પાસે પહોંચો તેવા મેસેજ વાઈરલ થયા હતા. જેને પગલે મોડી સાંજે આણંદ શહેરના નૂતનનગર, રહીમાનગર, ઈસ્માઈલ નગર સહિત અસપાસના વિસ્તારનો યુવકો પોતાના બાઈક લઈને સ્થળ પર દોડી ગયા હતા. લાપત્તા બનેલો યુવક ઔવેશ રિક્ષા ફેરવે છે. તેના પિતા ઉસ્માનભાઈ કપડાંની ફેરી ફરે છે. મધ્યમવર્ગના પરિવારમાં હાલમાં બે ભાઈ અને માતા-પિતા છે. નાના પુત્રના મોતના પગલે પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.