આણંદની કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા “મિશન મધમાખી” યોજના અંતર્ગત મધમાખી પાલન વિષયક બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડૉ.વાય.એમ.શુકલએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ તાલીમાર્થીઓને તાલીમમાં મેળવેલ માહિતીનો ઉપયોગ કરી મધમાખી પાલન કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા અન્ય તાલીમ કાર્યક્રમોનો લાભ લેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને વિષય નિષ્ણાંતો દ્વારા મધમાખીથી થતા પરાગનયનની અગત્યતા તથા તેનાથી થતા પાક ઉત્પાદન, પરંપરાગત અને વૈજ્ઞાનિક ઢબે થતાં મધમાખી પાલન અને મધની ગુણવત્તા તેમજ વિવિધ પ્રકારના મધની ફ્લેવર્સ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા બાગાયત નાયબ નિયામક ડૉ.સ્મિતાબેન પિલ્લાઇએ ગુજરાત રાજ્ય બાગાયત ખાતા દ્વારા ચાલતી બાગાયત ખાતાની અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી, તેનો લાભ લેવા જણાવ્યું હતું. કીટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડૉ સીસોદીયાએ કૃષિને લગતી યોજનાકીય માહિતીથી ખેડૂતોને માહિતગાર કરી મધમાખી પાલન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન કીટકશાસ્ત્ર વિભાગના ખેતી અધિકારી મિનાક્ષી લૂણાગરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના વિવિધ ગામડાઓના કુલ 34 જેટલાં ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.