આણંદ એલસીબી પોલીસે ગઈકાલ રાત્રીના સુમારે ફિલ્મી ઢબે પીછો કરી ઉમરેઠ તાલુકાના સુરેલી-દુધાપુરા રોડ ઉપરથી રાત્રીના સુમારે જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલ હેવી લોડીંગ વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય છ જેટલા શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે બે કાર, પ્લાસ્ટીકના કેરબા તથા ૭૦ લીટર ડીઝલ સહીત કુલ્લે રૂા.૩.૧૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય સાગરીતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ નાઈટ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન રાત્રીના સુમારે જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલ હેવી લોડીંગ વાહનોમાંથી એક ગેંગ, બે કાર સાથે ફરીને ડીઝલ ચોરી કરી રહી છે અને હાલમાં આ ગેંગ ઉમરેઠ તાલુકાના સુરેલી ગામની ચોકડી નજીક આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ સુરેલી ગામની ચોકડી ખાતે ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની બે કાર આગળ પાછળ આવી ચઢતા વોચમાં ઉભેલ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોતા જ બંને કારના ચાલકોએ કાર પૂરઝડપે હંકારી મુકી હતી. જેથી પોલીસે બંને કારનો ફિલ્મી ઢબે પીછો કરી ધૂળેટા સીમમાં સુરેલી દુધાપુરા રોડ નજીક બંને ગાડીને ઝડપી પાડી હતી. જો કે એક સફેદ કલરની આઈ-૨૦ કારમાં સવાર શખ્સો કારને બીનવારસી હાલતમાં મુકી અંધારાનો લાભ લઈ નાશી છૂટયા હતા જ્યારે સ્વીફટ કારમાં સવાર શખ્સો પૈકી પોલીસે ચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે બંને કારની તલાશી લેતા અંદર પ્લાસ્ટીકના કેરબા મુક્યા હોવાનું જણાયું હતું. જેમાંથી ૭૦ લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે ઝડપાયેલ શખ્સના નામઠામ અંગે પૂછપરછ કરતા તે મહેશકુમાર ઉર્ફે મન્સુરી રંગીતસીંહ ઉર્ફે ગોધો સોઢાપરમાર (રહે.અજબપુરા, તા.સાવલી, જિ.વડોદરા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારમાંથી મળેલ કેરબામાંના ડીઝલના જથ્થા અંગે તેની પૂછપરછ કરતા ગઈકાલ રાત્રીના સુમારે સામરખા ચોકડીથી કણજરી તરફ જવાના નેશનલ હાઈવે નં.૪૮ ઉપર પાર્ક કરેલ એક ટ્રકની એક ડીઝલ ટેન્કનું તાળું તોડી આ ડીઝલની ચોરી કરી હોવાની તેણે કબૂલાત કરી હતી. પોલીસે બે કાર, પ્લાસ્ટીકના કેરબા, ૭૦ લીટર ડીઝલ મળી કુલ્લે રૂા.૩૧૨૮૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલ અન્ય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ફરાર થઈ ગયેલ શખ્સોના નામ : મહેશ લક્ષ્મણ ચૌહાણ (રહે.ગોકળપુરા), જીગ્નેશ વખતસીંહ ચૌહાણ (રહે.ગોકળપુરા), ગૌરવ (રહે.મેહરાકુવા), ગડો (રહે.મેહરાકુવા), રાકેશભાઈ મુકેશભાઈ ચાવડા તથા અન્ય એક