આણંદ શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી પાટા ઓળંગી અન્ય પ્લેટફોર્મ ઉપર જઈ રહેલા પરપ્રાંતિય કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આણંદના ભાલેજ રોડ ઉપર આવેલા મદરેસામાં મણિપુરનો અનીસ શેખ અભ્યાસ કરતો હતો. બકરી ઈદના પર્વની રજા હોવાથી મિત્રો સાથે અનીસ ભરૂચ ફરવા માટે ગયો હતો. જ્યાંથી બાદમાં ટ્રેનમાં બેસી પરત આણંદ આવવા માટે નીકળ્યો હતો. દરમિયાન ટ્રેન આણંદ રેલવે સ્ટેશન પર આવતા અનીસ ટ્રેનમાંથી રોંગ સાઈડે ઉતરી રેલવેના પાટા ઓળંગી બીજા પ્લેટફોર્મ ઉપર જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ અનીસ શેખ અભ્યાસ કરતો હતો તે મદરેસાના જવાબદાર પદાધિકારીઓને જાણ થતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને જાણ કરતા કાકા આણંદ ખાતે દોડી આવ્યા હતા. બાદમાં આણંદ ખાતે કિશોરની દફનવિધિ કરવામાં આવી હતી. આ બનાવ અંગે આણંદ રેલવે પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.