વર્ષ 2013માં કોંગો ફિવરે અમરેલી પંથકમાં હાહાકાર મચાવ્યા બાદ ચાલુ વર્ષે ફરી એકવાર કોંગો ફિવર દેખાતા અને બાબરા તાલુકાના કિડી ગામના 28 વર્ષીય યુવકનું તેના કારણે મોત થતા સમગ્ર આરોગ્યતંત્ર હાંફળુ ફાંફળુ બન્યુ છે. કિડીમાં તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. ઇતરડી કરડવાથી થતા કોંગો ફિવરનું જો વહેલુ નિદાન ન થાય તો તે જીવલેણ નિવડી શકે છે.
ફરી એકવાર અમરેલી જીલ્લામાં કોંગો ફિવરની એન્ટ્રી થઇ છે. સામાન્ય રીતે આ ફિવરનો આફ્રિકન રાષ્ટ્રોમાં ઉત્પાત જોવા મળે છે. પરંતુ હવે અમરેલી પંથકમાં પણ ચાલુ સાલે તેણે પ્રથમ ભોગ લીધો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર બાબરા તાલુકાના કિડી ગામના વિશાલ અમરીશભાઇ ઝાપડીયા (ઉ.વ. 28) નામના યુવકનું કોંગો ફિવરથી મોત થયુ હતું. આ યુવકને તાવની અસરતળે ગત 29મી તારીખે સારવાર માટે ભાવનગરની સર-ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને 30મી તારીખે સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. લક્ષણો કોંગો ફિવરના જણાતા જરૂરી નમુનાઓ લઇ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. પુનાની લેબોરેટરીમાંથી આજે આ યુવકને કોંગો ફિવર હોવાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે આરોગ્યતંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી બાબરાના કિડી ગામમાં ઘરે ઘરે ફરી તાવના દર્દીઓ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. ચાર દિવસ દરમિયાન અહિં તાવના પાંચ કેસ જોવા મળ્યા હતાં. જો કે હાલમાં અહિં તાવના કોઇ કેસ ન હોવાનું જાણવા મળેલ છે. વર્ષ 2013થી અમરેલી જીલ્લામાં કોંગો ફિવરનો આતંક જોવા મળી રહ્યો છે. પશુઓના શરીર પર રહેલી ઇતરડી જો કોંગો ફિવરના જંતુઓ ધરાવતી હોય અને તે માણસને કરડે તો તેનાથી કોંગો ફિવર ફેલાય છે. 2013માં બાબરા પંથકમાં કોંગો ફિવરના કારણે 9 લોકોના મોત થયા હતાં…સૌજન્ય